રાજ્યમાં સરકારી કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઇને અનેક વખત સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેમની સમસ્યા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. રાજ્ય કર્મચારી મહામંડળ અને બોર્ડ નિગમ કર્મચારી મંડળ અને મહેસૂલી કર્મચારી મંડળ સરકાર સામે લડી લેવાનો નિર્ણય કરી લીધો છે. 16 ઓગસ્ટના રોજ આપવામાં આવેલ અચોક્કસ મુદતની હડતાલની ચીમકીના કારણે સરકારે વાટાઘાટો કરવા માટે પ્રયાસ હથ ધરવામાં આવ્યા છે. પરંતુ માત્ર વાતો પુરતી જ સીમિત રહી ગઈ હતી. કર્મચારીઓને ઉલ્લુ બન્યાનો અહેસાસ થયો હતો. જેને લઇને ગુરૂવારથી આંદોલનનો બીજો અધ્યાય શરૂ કર્યો છે.
ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રતિનિધિ લતાબેન પરમારે કહ્યું કે, મહેસૂલી કર્મચારીઓના 17 જેટલા પ્રશ્નો લઈને અનેક વખત રજૂઆતો કરી છે. છેલ્લે સરકારે અમારી સાથે વાટાઘાટો કરી હતી, પરંતુ તે પરિણામ આપી શક્યા નથી. કર્મચારીઓને માત્ર મુર્ખ બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેને કારણે ગુજરાત રાજ્યની તમામ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ આંદોલન કરશે. જેમાં તમામ કર્મચારીઓ માત્ર ઓફિસ સમય સુધી જ કામગીરી કરશે, ત્યારબાદ કોઈ પ્રકારની વધારાની કામગીરી કરશે નહીં. સરકાર જ્યાં સુધી અમારી વાટાઘાટોને પરિણામ સુધી નહીં પહોંચાડે ત્યાં સુધી કર્મચારીઓ આંદોલન ચાલુ રાખશે.