ગાંધીનગરઃ સોનોગ્રાફી કરાવવાના મામલે સગર્ભાના પતિએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબને તેમના ઓપીડીના રૂમમાં પુરી દીધા હોવાની ચોંકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે. તબીબે 100 નંબર ઉપર જાણ કરતાં દોડી આવેલી પોલીસે મામલો થાળે પડ્યો હતો. સગર્ભા મહિલાને રેડીયોલોજીસ્ટ સોનોગ્રાફી કરવાની ના પાડી હતી. જેને લઇને દર્દીના સગાએ ગાયનેક તબીબને રૂમમાં પૂરી દીધો.
ગાંધીનગર સિવિલની ઓપીડીમાં એક સગર્ભા આવી હતી. તેને તપાસી ડોક્ટરે બહારથી સોનોગ્રાફી લખી આપી હતી. જેને પગલે સાથે આવેલા વ્યક્તિએ સિવિલમાં સોનોગ્રાફી થાય છે તો બહારથી કેમ કરાવું, તેમ કહેતાં માથાકૂટ થઈ હતી. હાલની પરિસ્થિતિને પગલે સગર્ભાઓને કોરોના સંક્રમણ ન થાય તે માટે અલગથી સોનાગ્રાફીની વ્યવસ્થા કરાઈ હોવાનું તબીબે જણાવ્યુ હતું. ત્યારે સગર્ભા સાથે આવેલા વ્યક્તિએ સિવિલમાં જ એક્સરે વિભાગમાંથી સોનોગ્રાફી કરાવી હતી. પરંતુ એ પહેલા રેડીયોલોજીસ્ટ આ મહિલાનું ચેક અપ કરવાની ધરાર ના પાડી દીધી હતી. કોરોના વાઈરસને આગળ ધરી તબીબો કામચોરી કરી રહ્યાં છે. પરિણામે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગાંધીનગર સિવિલનું તંત્ર ખાડે ગયું છે. તેને લઈને જ આ પ્રકારના બનાવ સામે આવે છે.
બાદમાં ઉગ્ર થયેલા દર્દીના સગાએ ડોક્ટર સાથે ફરી માથાકુટ થતાં રોષે ભરાયેલા વ્યક્તિએ ઓપીડીમાં બેઠેલા ડોક્ટરનો રૂમ બહારથી બંધ કરી દીધો હતો. જે મુદ્દે સિવિલમાં હોબાળો થયો હતો. ડોક્ટરે 100 નંબર પર ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે મામલો સિવિલના ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો હતો. દરમિયાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. સગર્ભાને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં દર્દીઓની ભીડ હોવાથી કોઇનો ચેપ લાગે નહીં તે માટે તેને ગાયનેક વિભાગમાં જઇને સોનાગ્રાફી કરવાનું કહેવાયુ હતું. પરંતુ મહિલા સાથેનો પુરૂષ કંઇક જુદુ સમજતા તેણે મગજ ઉપરનો કાબુ ગુમાવી માથાકુટ કરી હતી. પરંતુ આ બનાવમાં પાડાના વાંકે પખાલીને ડામ મળ્યો હોય તેવું જોવા મળ્યું છે.