ગાંધીનગરઃ આરોગ્ય અગ્રસચીવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં હજી સુધીમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, તેમ છતાં તકેદારી રાખવી જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું કે, જિલ્લા કક્ષાએ અધિકારીઓને જરૂરી સૂચનો કરાયાં છે. માસ્ક પહેરવાની સામાન્ય માણસને જરૂર નથી, પરંતુ દર્દીઓએ માસ્ક પહેરવું જોઈએ. હેન્ડ સેનેટાઈઝરની પણ તમામ લોકોને જરૂર નથી. આ ઉપરાંત તેમણે ભીડ એકત્રિત થાય તેવા કાર્યક્રમો રદ કરવા અપીલ કરી છે. ગમે ત્યાં થૂંકનારાને દંડ કરવામાં આવશે. શરદી-ખાંસીની સમસ્યા હોય તેવાએ માસ્ક પહેરવુ જરૂરી છે. બીમારી હોય તેને જ માસ્કની જરૂરીયાત છે.
રાજ્યના તમામ એરપોર્ટ પર સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. આશાવર્કરોને પણ દર અઠવાડિયે તાલીમ અપાઇ રહી છે અને પેરામેડિકલ ટીમના કર્મીઓને ટ્રેનિંગ અપાઈ છે. અફવાઓ અને ખોટી માહિતીથી ગેરમાર્ગે ન દોરાવું. માહિતીની ખરાઈ આરોગ્ય વિભાગની વેબસાઈટ પરથી કરવી. આપણે એકદમ સુરક્ષિત છીએ, ગભરાવાની જરૂર નથી. 104 હેલ્પલાઈન પર દરરોજ 500 જેટલા કોલ આવે છે. કોરોના પ્રસરે નહીં એ માટે તંત્ર એકદમ સતર્ક છે. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતીની જરૂર છે.
ડૉ. જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં જાહેરમાં થૂંકનારાઓ પાસેથી 7 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. હોટેલ, રેસ્ટોરન્ટમાં ભીડ ન થાય તેવી સૂચના અપાઈ છે. આ ઉપરાંત ST વિભાગની બસોની સફાઈનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.