રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે ગુજરાતના યુવાનોને જૂઠ્ઠાણા ફેલાવીને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ ના નિવેદન સાથે રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં યુવાનોને સરકારી સેવાઓમાં ભરતી કાપ કોંગ્રેસની સરકારે મૂક્યો હતો. તે અમારી સરકારે દૂર કરીને સમયાનુસાર સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરી યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી પૂરી પાડી છે. જેના અંતર્ગત 1 ડિસેમ્બરના દિવસે 9,713 લોકરક્ષક જવાનોને નિમણૂંક પત્ર આપવામાં આવશે.
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર બનાવ્યું છે. તે મુજબ ટેક્નોલોજીના માધ્યમ દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરીને યુવાનોને રોજગારી આપી છે. જે કોંગ્રેસને ખૂંચે છે માટે તે યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સીધી ભરતીથી જી.પી.એસ.સી, ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના મંડળો દ્વારા વિવિધ વિભાગો માટે વિવિધ સંવર્ગની પરીક્ષા લઇને પારદર્શિતાથી 1,20,013 યુવાનોની ભરતી કરી છે. જેમાં, રાજ્યના 26થી વધુ વિભાગોમાં વર્ષ 2014માં 20,239 વર્ષ 2015માં 24,420, વર્ષ 2016માં 10,604 વર્ષ 2017માં 47,886 વર્ષ 2018માં 15,329 અને આ વર્ષે 1,535 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
રાજ્યના પોલીસ દળમાં વધારો થાય અને પોલીસ દળની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 9,713 લોકરક્ષકની ખાલી જગ્યા ભરવા માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયાની શારિરીક કસોટી ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ગુજરાત પોલીસ દ્વારા લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ 1 ડિસેમ્બર 2019ના રોજ નિમણુંક પત્ર એનાયત કરવામાં આવશે.
લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા અનાર્મ લોકરક્ષક- 3150, આર્મ્ડ લોકરક્ષક (SRP)- 6009 પુરૂષ જેલ સિપાઇ- 499 સ્ત્રી જેલ સિપાઇ- 55 મળી કુલ 9,713 જગ્યાઓમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં, નિયમોનુસાર 2,322 જેટલા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ પણ આ પરીક્ષા આપી હતી. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા ચાલે છે, તેના લીધે કામગીરી પૂર્ણ થઇ નથી. અપૂરતી ચકાસણીના કારણે સાચાને ન્યાય મળે અને ખોટો લાભ ન લઇ જાય તે માટે સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવી છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની પસંદગી પરિણામ તૈયાર થયા બાદ સત્વરે કરાશે. અનુસૂચિત જનજાતિના 20,61 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરી દેવાઇ છે.