- પત્રકાર પરિષદ બાદ ગણતરીના કલાકોમાં જ નિર્ણય બદલાયો
- રાજ્ય સરકાર હવે 23 નવેમ્બરથી શાળા કોલેજ શરૂ નહીં કરે
- રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
ગાંધીનગર : 11 નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શાળા-કોલેજના અંતિમ વર્ષો માટે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે ગુરૂવારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને શાળા-કોલેજો ખોલવા માટેની કામગીરીની સમીક્ષા કરી હતી, પરંતુ વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળા-કોલેજ ફરી ખોલવાના નિર્ણયને મોકૂફ રાખ્યો છે.
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પત્રકાર દરમિયાન CM હાઉસથી આવેલો ફોન શુ નિર્ણય મોકૂફી માટે હતો?
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યના તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી અને શાળાઓની તૈયારીઓ અંગે તમામ માહિતી આપી રહ્યા હતા. આ સમય દરમિયાન જ મુખ્યપ્રધાનના નિવાસસ્થાન ખાતેથી પત્રકાર પરિષદ દરમિયાન જ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પર ફોન આવ્યો હતો. જેમાં ચુડાસમા ફોન પર એવું જણાવી રહ્યા હતા કે, બ્રિફિંગ ચાલુ છે, ચાલુ છે ત્યારે CM હાઉસથી આવેલો ફોન શાળા-કોલેજ ફરીથી ખોલવાના નિર્ણયને મોકૂફ રાખવા માટેનો ફોન હતો કે કેમ? એવો પ્રશ્ન હવે ઊભા થઈ રહ્યો છે.
અમદાવાદમાં 60 કલાકથી વધુ કરફ્યૂ
અમદાવાદની મહત્વની જવાબદારી રાજ્ય સરકારે સિનિયર IAS અધિકારી રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે. જ્યારે ગુરૂવારે રાજીવ ગુપ્તાએ જાહેરાત કરી હતી કે, અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રે 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ રહેશે, પરંતુ ત્યારબાદ ફરીથી જાહેરાત કરી હતી કે, હવે 20 નવેમ્બર સવારે 9:00થી સોમવાર 23 નવેમ્બરના સવારના 6 કલાક સુધી સંપૂર્ણ અમદાવાદમાં કરફ્યૂ રહેશે. એટલે કે અમદાવાદમાં 60 કલાક સંપૂર્ણ કરફ્યૂ રહેશે.
અમદાવાદમાં સૌથી વધુ શાળા-કોલેજ
સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જ સૌથી વધુ શાળા અને કોલેજ આવી છે. ત્યારે જે રીતે અમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શાળા-કોલેજ ફરીથી શરૂ કરવાના નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે.
હવે પરિસ્થિતિને આધારે થશે નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરના રોજ ધોરણ 9થી 12 અને કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યમાં દિવાળી બાદ જે રીતે કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 23 નવેમ્બરના રોજ શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને કોરોના સંક્રમણ જો ઘટે તો, આ તમામ બાબતે સમીક્ષા કર્યા બાદ જ રાજ્યમાં શાળા-કોલેજ ખોલવી કે નહીં તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.