- 17 હજાર હેક્ટરમાં વાવેતર ઓછુ થયું
- મોડું ચોમાસુ બેસતા વાવેતર ઓછુ થયું
- 1.36 લાખ હેક્ટરમાં વાવેતરનો અંદાજ
ગાંધીનગર : જિલ્લામાં દર વર્ષે 1.36 લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. તેમાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર ઓછું થયું હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, જો વરસાદ નિયમિત થશે તો વાવેતર વધશે.
ગત વર્ષે અત્યાર સુધીમાં 36 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું
ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધી વરસાદ 50 ટકા ઓછો થયો છે અને મોડું ચોમાસુ બેસતા વાવેતર ઓછુ થયું હતું. ગત વર્ષે અત્યાર સુધીમાં 36 હજાર હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે અત્યાર સુધી માત્ર 18 હજાર હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે જૂનની શરૂઆતમાં જ વરસાદ મોટા પ્રમાણમાં વાવણી લાયક થઈ ગયો હતો પરંતુ આ વર્ષે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે, અગાઉના દિવસોમાં તૌકતેના પગલે કમોસમી વરસાદ થયો હતો. જેને બાદ કરતા સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો નથી.
3 વર્ષથી સરેરાશ 1.36 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે
ગાંધીનગર જિલ્લામાં 3 વર્ષમાં સરેરાશ 1,36,800 હેક્ટરમાં વાવેતર થાય છે. આ વર્ષે પણ 1.36 લાખથી 1.38 લાખ સુધી વાવેતર થવાનો અંદાજ છે. આ વર્ષે વાવેતર 18 હજાર હેક્ટરમાં જ થયું છે. ગત વર્ષે વરસાદ વહેલો શરૂ થઈ ગયો હતો. જેથી હવે વરસાદ વધશે ત્યારે વાવેતરમાં ઝડપી વધારો પણ થશે. પાકોમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે.
3 વર્ષમાં ક્યા પાક કેટલા લેવાયા
છેલ્લા 3 વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં કપાસનું 22 હજાર હેક્ટરમાં, ડાંગરનું 12 હજાર હેક્ટરમાં, દિવેલાનું 25 હજાર હેક્ટરમાં, ઘાસચારાનું 41,800 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે શાકભાજીનું 14,400 હેક્ટરમાં અને મગફળીનું 8200 હેક્ટરમાં સરેરાશ ઉત્પાદન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે અનિયમિત વરસાદના સમયે પાક ઓછો થવાનો અંદાજ રહે છે. જો આ વર્ષે વરસાદ નિયમિત રહેશે તો વાવેતર વધી શકવાનો અંદાજો જાણકારો લગાવી રહ્યા છે.
વિશ્વાસપાત્ર અને સર્ટિફાઇડ બિયારણ ખરીદવા જોઈએ
જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી. જાદવના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર જિલ્લામાં 4-5 દિવસમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેથી વાવણી પહેલા બિયારણ ખરીદી કરતા હોય ત્યારે વિશ્વાસપાત્ર અને સર્ટિફાઇડ બિયારણ જ ખરીદવા જોઈએ. ખેડૂતોએ આ બાબતનું પહેલા ધ્યાન રાખવાની જરૂર છે. વાવેતર કરતા પહેલા કોઈ પણ પાકને ફુગનાશક દવાનો પટ આપવાનો આગ્રહ રાખવો જોઈએ.