- રાજ્યમાં વરસાદ બાદ રોગચાળો ફાટ્યો,મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસમાં વધારો
- જુલાઈ સુધી મેલેરિયાના 1494, ડેન્ગ્યુના 510 અને ચિકનગુનિયાના 262 કેસો સામે આવ્યાં
- તમામ વિગતો સરકારી હોસ્પિટલની, ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ લઈ રહ્યાં છે સારવાર
ગાંધીનગર : વાહકજન્ય રોગોની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે જુલાઈ 2020માં ચિકનગુનિયાના 146 જેટલા જ કેસ નોંધાયા હતાં. ત્યારે આ વર્ષે જુલાઈ 2021 સુધીમાં ચિકનગુનિયાના 262 જેટલા કેસો નોંધાયા છે. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. અત્યારે મેલેરીયા અને ડેન્ગ્યુના કેસમાં ગત વર્ષ કરતાં ઓછા રહ્યાં હોવાની વિગતો પણ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી પ્રાપ્ત થઇ રહી છે. પરંતુ જે રીતે સરકારી હોસ્પિટલમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે જેને ધ્યાનમાં લઈએ તો સીઝનલ ફલૂને કારણે લોકોને અસર થઈ છે જેથી અમુક લોકો ફક્ત દવાઓ લઈને સાજા થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે વધુ બીમાર હોય તેઓને હોસ્પિટલ દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. ગત જુલાઈ કરતા આ વર્ષે ચિકનગુનિયાના કેસમાં વધારો જોવાયો છે.
છેલ્લા વર્ષોની વિગતો..
વર્ષ | મેલેરિયા | ડેન્ગ્યુ | ચિકનગુનિયા |
2018 | 22,114 | 7593 | 1295 |
2019 | 13,883 | 18,455 | 689 |
2020 | 4771 | 1564 | 1059 |
2020 જુલાઈ માસ સુધી | 1825 | 726 | 143 |
2021 જુલાઈ માસ સુધી | 1494 | 510 | 262 |
સ્થાનિક તંત્રને પણ સૂચના અપાઈ
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગો અટકાવવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક તંત્રને પણ સૂચના આપવામાં આવી છે. જેમાં દવાનો છંટકાવ અને જે જગ્યાએ પાણીનો ભરાવો સતત રહ્યાં કરતો હોય ત્યાંથી પાણીનો ભરાવો દૂર કરવાની પણ કડક સૂચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ કોર્પોરેશન વિસ્તારના આરોગ્ય વિભાગ તાલુકા અને જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગને પણ ચોમાસામાં દવાનો છંટકાવ કરવાની પણ સૂચના રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.
જ્યાં ડેન્ગ્યુના કેસ આવે ત્યાં સર્વેલન્સ
વર્તમાન સમયમાં જ્યાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ આવે છે ત્યાં માઈક્રો સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે જ્યાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો સામે આવી રહ્યા છે. ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા જે તે ઝોનમાં અને વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આમ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં કોઈપણ પ્રકારનો વધારો ન થાય તેને ધ્યાનમાં લઈને પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સર્વેલન્સ કરવામાં આવી રહ્યા હોવાની વિગત પણ આરોગ્ય વિભાગ તરફથી પ્રાપ્ત થઇ રહી છે.
આ પણ વાંચોઃ ડેન્ગ્યુથી નેશનલ જુડો ચેમ્પિયન ખેલાડીએ ગુમાવ્યો જીવ, વડોદરાની 19 વર્ષીય સાક્ષી રાવલનું મોત
આ પણ વાંચોઃ રાજકોટમાં ઋતુજન્ય રોગચાળામાં વધારો થતા સિવિલ હોસ્પિટલમાં ભીડ