- 29 જુલાઈથી મોટાભાગની સ્કૂલો રેગ્યુલર ઓફલાઇન શરૂ થઈ
- જિલ્લામાં 9થી 11ના ટોટલ 70થી 80 હજાર વિદ્યાર્થીઓ
- વાલીઓની સહમતી બાદ સ્કૂલમાં આવે છે વિદ્યાર્થીઓ
ગાંધીનગર: ગાંધીનગર શહેર અને જિલ્લામાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની સંખ્યા ઓફલાઇન 50 ટકાથી પણ ઓછી આવી રહી છે. હજુ પણ 70 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઇન જ શિક્ષણ (offline education) ઘરે બેઠા મેળવી રહ્યા છે. નિયમ પ્રમાણે વાલીઓની સંમતિ બાદ જ વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવાં પરમિશન આપવામાં આવે છે ત્યારે ઘણા વાલીઓ તેમના બાળકોને સ્કુલે મુકતા કચવાટ અનુભવી રહ્યા છે. જોકે કોરોનાની બીજી લહેર બાદ કોરોનાના કેસો બિલકુલ ઘટી ગયા છે, પરંતુ હજુ પણ ત્રીજી લહેરનો ડર લોકોને સતાવી રહ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં ધોરણ 9થી12ના 80,000 જેટલા વિદ્યાર્થીઓ છે
જિલ્લા શિક્ષણ અધિકારી ભરત વઢેરે જણાવ્યું કે ધોરણ 9થી 12ના સ્કૂલના વિદ્યાર્થીઓ ગાંધીનગર શહેર અને જિલ્લામાં 70થી 80 હજાર જેટલા છે પરંતુ અત્યારે 25થી 30 ટકા જ વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલોમાં ઓફલાઈન જોવા મળી રહી છે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા નથી તેમના માટે સ્કુલ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે." લગભગ અત્યારે જિલ્લામાં સ્કૂલોમાં 22 થી 25 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. જેનુ બીજું કારણ એ પણ છે કે હોસ્ટેલમાં કેટલાક માતા-પિતા કોરોનાને જોતા તેમના સંતાનોને ભણાવવા માટે મોકલી રહ્યા નથી જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: Rajkot: ધો 9થી 11ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું શરૂ ઓફલાઇન શિક્ષણ
કડી સર્વ વિદ્યાલયમાં 40 ટકા જેટલા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી
ગાંધીનગર શહેરના સૌથી મોટા સ્કૂલ કેમ્પસ મનાતા એવા કડી સર્વ વિદ્યાલયમાં ધોરણ 9થી 11ના 1,400 જેટલા વિદ્યાર્થીઓ છે. જેમાં 600 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલમાં આવી રહ્યા છે. આ અંગે વધુમાં જણાવતા આર.જી. પટેલ સ્કૂલના ઈન્ચાર્જ સુપરવાઇઝર કામિની મહંતે જણાવ્યું કે, અમારી સ્કૂલમાં 40થી 45 ટકા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. 29 જુલાઈથી રાબેતા મુજબ ઓફલાઈન અભ્યાસક્રમ શરૂ કરેલો છે. આ ઉપરાંત દિવસના બે ઓનલાઇન લેક્ચર પણ ઘરે રહેલા વિદ્યાર્થીઓ માટે ચલાવીએ છીએ. જે વાલીઓની સંમતિ હોય છે તે જ વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવે છે.
આ પણ વાંચો: સુરત જિલ્લામાં ધોરણ12ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓની હાજરી ખૂબ ઓછી