ગાંધીનગરઃ 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના 2 ભાગલા થયા અને ત્યારથી 1 મેની ઉજવણી ગુજરાતના સ્થાપના દિન તરીકે કરવામાં આવે છે. જેથી આજે સ્થાપના દિન નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાતની જાહેર જનતાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓએ દેશ અને વિદેશમાં ગુજરાતનું નામ મોખરે કર્યું છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દેશ અને વિદેશમાં ગુજરાતનું નામ ગુજરાતીઓના કારણે જ મોખરે થયું છે. તમામ ક્ષેત્રમાં ગુજરાતીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં જે કોરોનાની પરિસ્થિતિ છે, તેને ધ્યાનમાં લઇને ગુજરાતની જનતાએ પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે હળી-મળીને રાજ્યમાં લોકડાઉનનું સંપૂર્ણ પાલન કર્યું છે.
આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાતની જનતાને સ્થાપના દિનની શુભકામનાઓ સાથે લોકડાઉનનો સંદેશો પણ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ રાજ્ય સરકાર જે પણ સૂચનો આપે તેનો જાહેર જનતા ફરજિયાત અમલ કરે. આવું કરવાથી કોરોનાને હરાવવો સરળ બનશે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ લોકોને માસ્ક પહેરીને જ બહાર નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા નાયબ મુખ્યપ્રધાને અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જે સંદેશ અને જે પ્રતિજ્ઞા રાજ્યની જનતાને આપી હતી, તે જ સંદેશ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આપી છે.