- સીએમ ભુપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ હવે પ્રધાનોની શપથ વિધિ યોજાશે
- અનેક નવા ચહેરાઓને આપવામાં આવશે સ્થાન
- 15થી 17 પ્રધાનો હશે ભુપેન્દ્ર પટેલની સરકારમાં
- વિજય રૂપાણીની સરકારમાં 22 જેટલા પ્રધાનોનો સમાવેશ કરાયો હતો
- વિધાનસભા અધ્યક્ષ પણ પ્રધાનમંડળમાં આવે તેવી સંભાવના
ગાંધીનગર: 13 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા છે, ત્યારે 16 સપ્ટેમ્બર ગુરૂવારના રોજ ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવનિયુક્ત પ્રધાનોનો પણ શપથ સમારોહ યોજવામાં આવે તેવી વાતો અને અટકળો શરૂ થઈ છે. મળતી માહિતી પ્રમાણે ભુપેન્દ્ર પટેલની સરકારમાં 15થી 17 જેટલા પ્રધાનોનું નવું મંત્રીમંડળ હશે, જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં 22 જેટલા પ્રધાનોને સ્થાન આપવામાં આવ્યું હતું.
રૂપાણી સરકારના કયા પ્રધાનો હવે ફક્ત ધારાસભ્ય તરીકે રહેશે
શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે, ત્યારે વિજય રૂપાણીની સરકારમાં પ્રધાન પદ ધરાવતા 10 જેટલા ચહેરાઓ હવે ફક્ત ધારાસભ્ય તરીકે જ યથાવત રહેશે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. માહિતી પ્રમાણે નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, બચૂ ખાબડ, વિભાવરીબેન દવે, કિશોર કાનાણી, યોગેશ પટેલ, જયદ્રથસિંહ પરમાર અને વાસણ આહિર જેવા રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનોની બાદબાકી કરવામાં આવશે.
કયા સિનિયર પ્રધાનો યથાવત રહેશે
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં કાર્યરત રહેલા પ્રધાનો પણ ભુપેન્દ્ર પટેલ સરકારમાં પણ જોવા મળશે. પ્રદિપસિંહ જાડેજા, ગણપત વસાવા, આર.સી.ફળદુ, જયેશ રાદડિયા, દિલીપ ઠાકોર, પરસોત્તમ સોલંકી, અને ઈશ્વર પરમાર જેવા મંત્રીઓને યથાવત રાખવામાં આવે તેવી પણ અટકળો વહેતી થઇ છે.
કયા નવા ચહેરાઓ આવશે?
નવા ચહેરાની જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરા તરીકે ઋષીકેશ પટેલ, જે.વી. કાકડિયા, નીમાબેન આચાર્ય, હર્ષ સંઘવી અથવા તો સંગીતા પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ એવા રાજેન્દ્ર ત્રિવેદી, ભાવનગરથી જીતુ વાઘાણી, આત્મારામ પરમાર, પ્રદિપસિંહ જાડેજા નવા ચહેરા તરીકે કેબિનેટ કક્ષાના પ્રધાનોમાં સ્થાન મેળવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. નીતિન પટેલના સ્થાને ઋષિકેશ પટેલ કે જે મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમને સ્થાન આપવામાં આવશે.
કઈ રીતે કરવામાં આવશે પ્રધાનમંડળની પસંદગી
પસંદગીની વાત કરવામાં આવે તો પ્રધાનમંડળની પસંદગી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ઝોન આમ ચાર અલગ-અલગ ઝોન પ્રમાણે પસંદગી કરવામાં આવે છે અને ત્યારબાદ જ્ઞાતિવાદ સમીકરણો ગોઠવીને પણ કેબિનેટ અને રાજ્યકક્ષામાં પ્રધાનમંડળની પસંદગી કરવામાં આવે છે, જ્યારે કચ્છ-ભુજમાંથી વાસણભાઇ આહિરને કાપીને નિમાબેન આચાર્યને જગ્યા અપાય તેવી વાત વહેતી થઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં વિભાવરીબેન દવેની જગ્યાએ જીતુ વાઘાણી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કુમાર કાનાણીને કાપીને હર્ષ સંઘવી અથવા તો સંગીતા પાટીલને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
પ્રધાનમંડળ માટે અમદાવાદમાં મોડી રાત્રે થઈ મહત્વની બેઠક
નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળને લઈને અમદાવાદ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ તથા ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ વચ્ચે પણ ખાસ બેઠક યોજાઇ હતી. મોડી રાત્રે મળેલી આ બેઠકમાં સૂત્રો પ્રમાણે નવા પ્રધાન મંડળના સભ્યોની પસંદગી બાબતે ચર્ચા થઈ હોવાની વાત મળી છે. આમ બુધવાર મોડી સાંજ સુધીમાં નવા પ્રધાન મંડળની જાહેરાત થશે અને ગુરુવારે શપથવિધિનો કાર્યક્રમ પણ રાજભવન ખાતે યોજાશે.
ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ
વધુ વાંચો: ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાન મંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરના રોજ યોજાશે
વધુ વાંચો: વિજય રૂપાણીની દીકરીએ કરી ભાવુક પોસ્ટ, સોશિયલ મીડિયા પર થઈ વાઇરલ