ગાંધીનગર : આ ગવર્નર્સ કોન્ફરન્સમાં દેશભરના રાજ્યોના રાજ્યપાલોએ ઉપસ્થિત રહીને પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં દેશના યુવાઓના સર્વાંગી વિકાસનું ચિંતન છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ ક્ષેત્રે બહુઆયામી ચિંતન દ્વારા જ્ઞાનસંપન્ન ભારતના નિર્માણનો પુરુષાર્થ નવી શિક્ષણ નીતિ દ્વારા કરવામાં આવ્યો છે. માતૃભાષામાં શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણસ્તરથી જ બાળકનો સર્વાંગી વિકાસ, બહુવિષયી અધ્યયન, મૂલ્યાંકન માટેની ગુણવત્તા અને શિક્ષક સજ્જતા જેવા અનેકવિધ સુધારાને કારણે દેશના યુવાનો સાંસ્કૃતિક મૂલ્યોના જતન સાથે જ્ઞાનકૌશલ્ય સંપન્ન બનશે અને યુવાનોને "વિશ્વ નાગરિક" બનાવવાનો સંકલ્પ સાકાર થશે.
![નવી શિક્ષણનીતિ મુદ્દે વેબીનાર, રાજયમાં શિક્ષણનીતિ અમલી કરાવવા બેઠકોનો દોર શરૂ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8715658_education_niti_a_7204846.jpg)
![નવી શિક્ષણનીતિ મુદ્દે વેબીનાર, રાજયમાં શિક્ષણનીતિ અમલી કરાવવા બેઠકોનો દોર શરૂ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8715658_education_niti_7204846.jpg)
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ-2020ને પ્રાસંગિક ગણાવી જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના નિર્માણ સમયે 2 લાખથી વધુ લોકોના મંતવ્યોને ધ્યાને લેવામાં આવ્યાં છે તે જ રીતે નીતિના અમલીકરણ માટે પણ સતત વિચાર-વિમર્શ થાય તે જરૂરી છે. શિક્ષણ નીતિ કોઈ સરકારની નહીં પરંતુ સમગ્ર દેશની નીતિ છે તેમ જણાવી વડાપ્રધાન મોદીએ નવી શિક્ષણ નીતિને 21મી સદીના ભારતના સામાજિક અને આર્થિક જીવનને નવી દિશા આપનારી અને આત્મનિર્ભર ભારતના સામર્થ્યને સાકાર કરનારી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ યુવાનોને તેમની અપેક્ષા પ્રમાણે જ્ઞાન અને કૌશલથી સજ્જ કરવા સ્ટડીને બદલે લર્નિંગ ઉપર તેમ જ ક્રિટિકલ થિંકિંગ ઉપર ભાર આપે છે, એટલું જ નહીં પ્રેક્ટિકલ અને પરફોર્મન્સ ઉપર પણ ધ્યાન આપે છે.