ગાંધીનગર સહિત તમામ મહાનગરોમાં રખડતા પશુઓની સમસ્યા વિકરાળ બની છે. સરકાર અને તંત્ર આ સમસ્યામાંથી નાગરિકોને મુક્ત કરાવવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે. ગાંધીનગર શહેરમાં મોટા પ્રમાણમાં ખુલ્લી જગ્યા જોવા મળે છે. પરિણામે માલધારીઓ, ઝુપડાં બાંધીને રહેતા લોકો તથા લારીઓ મૂકીને વેપાર કરનાર દબાણકારોને ભાવતું ભોજન મળી જાય છે. હાલમાં ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવેલા ઢોરવાડાને ખાલી કરવા માટે મેયર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે એસઆરપીની ટુકડી અલગ-અલગ સેક્ટરમાં ફરી રહી છે.
ગાંધીનગર મહાપાલિકા અને ઢોર પકડ પાર્ટી ગુરૂવારે સેક્ટર 29 અને 23ની સરકારી જમીન પર બનાવેલ ઢોરવાડાને ખાલી કરવા પહોંચી હતી, ત્યારે સેક્ટર 29માં સરકારી જમીનમાં બનાવેલા દરવાજાને પણ ખાલી કરાવી શકી ન હતી. મહિલા પશુપાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પહેલા અન્ય સ્થળેથી જગ્યા ખાલી કરાવો ત્યારબાદ અમે ખાલી કરીશું. ઉપરાંત મહિલા પશુપાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મહાપાલિકાના અધિકારીઓ દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે.