- ડ્રાઈવર ભાગી જતા પોલીસે શોધખોળ હાથ ધરી
- નાકાબંધી તોડી ડ્રાઈવર ફરાર થઈ ગયો
- 2 લાખ 4 હજારથી પણ વધુ કિંમતનો દારૂ પકડ્યો
ગાંધીનગરઃ ગાંધીના ગુજરાતમાં તો હવે જાણે દારૂની હેરાફેરી સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ કોઈકને કોઈ જગ્યાથી દારૂ ઝડપાતો જ હોય છે ત્યારે ગાંધીનગરની માણસા પોલીસે પણ 281 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી.
આ પણ વાંચો- વડોદરા: 8 ખાનદાની નબીરાઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા

ગાડીમાંથી 281 નંગ દારૂની બોટલ મળી
માણસા પોલીસે બાતમીના આધારે ગ્રામભારતી ચોકડી પાસે નાકાબંધી કરી ગોબરપુર જવાના રોડ પર લીંબોદરા પાસે વિદેશી દારૂ ગાડીમાંથી કબજે કર્યો હતો. ગાડીમાંથી 281 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જોકે, ગાડીમાંથી ડ્રાઈવર ફરાર થઈ જતા પોલીસે ગાડી સાથે મુદ્દામાલ કબજે કર્યો હતો. ડ્રાઈવર ખેતરોમાંથી ફરાર થતા પોલીસે તેની શોધખોળ ચાલુ રાખી આગળની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો- સુરતમાં દુકાન બહાર દારૂ પી રહેલા લોકોને દુકાન ધારકે ટોક્યા, દારૂડિયાઓએ કર્યો પથ્થરમારો
ગાડી ચાલક નાકાબંધી તોડી ગાડી રસ્તામાં મૂકી ભાગી જતા પોલીસે શોધ હાથ ધરી
માણસા પોલીસને બાતમી મળતા વિદેશી દારૂનો જથ્થો ભરેલી વિજાપુર હાઈવે તરફ રોડથી ગાંધીનગર તરફ જવાના રસ્તે ગ્રામભારતી ચોકડી પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન GJ 15 BB 2013 સિલ્વર કલરની ગાડીમાં ચાલક વિદેશી દારૂ ભરેલી ગાડીમાં આવ્યો હતો, જે પોલીસને જોઈ નાકાબંધી તોડી ભાગી ગયો હતો. પોલીસે પણ તેનો ફિલ્મી ઢબે પીછો કરતા લીંબોદરા ગામ પાસે તે રોડ ઉપર ગાડી મૂકી ભાગી ગયો હતો. ડ્રાઈવર ગાડી મૂકી ખેતરોમાં નાસી ગયો હતો. ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ 281 નંગનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.
2 લાખથી વધુનો વિદેશી દારૂ સહિતનો 3,54,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે 281 બોટલો કબજે કરી હતી, જેની કિંમત 2 લાખ 4 હજાર રૂપિયાથી પણ વધુ છે. આ ઉપરાંત 1,50,000 ગાડીની કિંમત સાથે કુલ 3,54,340 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જોકે, ડ્રાઈવર ભાગી જતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.