- કેદીઓ જેલમુક્ત બાદ સારા નાગરિક બને તે માટેના પ્રયત્નો
- રાજ્યની જેલોમાં 43,779 કેદીઓને કાયદાકીય સલાહ અપાઈ
- 10,158 કેદીઓને કાયદાકીય સહાય આપવામાં આવી
ગાંધીનગર: જેલમાં સજા ભોગવતા કેદીઓ માહિતીના અભાવે કાનૂની સલાહ અને સહાય મેળવવાના અધિકારથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કાનૂની સેવા સત્તામંડળના માધ્યમથી નિઃશુલ્ક ધોરણે કાનૂની સલાહ અને સહાય પૂરી પાડવામાં આવતી હોવાનું રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું.
વડોદરા મધ્યસ્થ જેલમાં કુલ 1304 કેદીઓને કાયદાકીય સલાહ અપાઈ
વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વડોદરા મધ્યસ્થ જેલના કુલ 1304 કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે. જેમાં કાચા કામના 774 પુરૂષ, 371 મહિલા મળીને કુલ 1145 તથા પાકા કામના 90 પુરૂષ, 69 મહિલા મળીને કુલ 159 કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે. તેવી જ રીતે કુલ 538 કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે. જેમાં કાચા કામના 524 પુરૂષ અને 14 મહિલા કેદીઓનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યની જેલોમાં કાચા–પાકા કામના પુરૂષ અને મહિલા મળીને કુલ 43,779 કેદીઓને કાયદાકીય સલાહ તથા કાચા-પાકા કામના પુરૂષ અને મહિલા મળીને કુલ 10,158 કેદીઓને કાયદાકીય સહાય આપવામાં આવી છે.
કેદીઓને રોજગારી તાલીમ
કેદીઓ જેલમુક્ત થયા બાદ ગૌરવભેર સ્વરોજગાર મેળવી શકે તે માટે તેઓને ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મારફતે ટુંકા ગાળાની રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવામાં આવે છે. કેદીઓને પ્રશિક્ષિત કરીને કૌલશ્યયુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેદીઓને અભ્યાસની તક પૂરી પાડીને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી મારફતે ડિગ્રી/પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેલવાસ દરમિયાન કેદીમાંથી સારો માનવ બને તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. નિયત ધોરણો ધરાવનારા કેદીઓને વડોદરા ખાતેની દંતેશ્વર ઓપન જેલમાં મોકલવામાં આવે છે. જ્યાં 80 એકર વિસ્તારમાં ખુ્લ્લા વાતાવરણમાં કેદીને કૃષિ અને કૌશલ્યલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે. જેથી જેલમુક્તિ બાદ સમાજમાં પુનઃ સ્થાપિત થવાની તક મળે.