ગાંધીનગરઃ જિલ્લા અને તેની આસપાસમાં રહેતા પરપ્રાંતિય મજૂરો કામ ધંધા બંધ હોવાથી રોજગારી નહીં મળવાના કારણે દયાનીય હાલત થઈ છે. શરૂઆતમાં સેવાભાવી સંસ્થાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હતી. પરંતુ તેમની પણ હવે મર્યાદા આવી ગઈ છે. પરિણામે લોકોને પૂરતું ભોજન મળતું નથી સરકાર માત્ર સુફિયાણી વાતો કરી રહી છે. પરંતુ હકીકત તેનાથી વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. શનિવારની મોડી રાત્રે પરપ્રાંતિય મજૂરો ગોતા જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસ દ્વારા તેમને મારીને ભગાડવામાં આવ્યા હતા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગોતાથી ગાંધીનગર તરફ મજૂરોએ દોટ મૂકી હતી. ગાંધીનગર એસ.ટી ડેપોથી વતનમાં જવા માટે વ્યવસ્થા કરવામાં આવતી હોવાની વાતને લઈને મોડી રાતે જ રોડ ઉપર જ સુઈ ગયા હતા. ત્યારે એક શ્રમિકએ કહ્યું કે, પરિવાર સહિત નાના બાળકો હેરાન પરેશાન થઇ ગયા છે, અમારે વતનમાં જવું છે પરંતુ કેવી રીતે જવું તે કઈ સુજતું નથી. એક તરફ આકાશમાંથી અગનગોળા છૂટી રહ્યા છે, ત્યારે પીવાનું પાણી પણ નસીબ થતું નથી. ગુજરાત સરકાર અમારી વ્યવસ્થા કરી શકતું નથી, પરિણામે અમે અમારા વતનમાં જ ઠીક રહી શકીશું.
ગોતા પોલીસે અમને મારીને ભગાડતા અમે ગાંધીનગર એસટી ડેપો ખાતે આવી ગયા છીએ. આખી રાત અમે અહીં જ વીતાવી છે. અમારા બાળકોને અમે બિસ્કીટ ખવડાવીને ચલાવી રહ્યા છીએ, ત્યારે અમારી સરકારને રજૂઆત છે કે, ભલે તમે અહીંયા અમારું પાલન પોષણ ન કરો, પરંતુ અમને અમારા વતન સુધી મોકલવાની વ્યવસ્થા તો કરી આપો. તમે એસી ચેમ્બરમાં બેસીને નિર્ણય કરી રહ્યા છો, પરંતુ 45 ડિગ્રી ગરમીમાં બહાર નીકળીને એકવાર અનુભવ તો કરો.