- કોરોના કાળમાં ગત વર્ષે 330 સ્યુસાઈડલ કોલ આવ્યા જ્યારે આ વર્ષે 189 આવ્યા
- કોરોનામાં તણાવગ્રસ્ત લોકોના અત્યાર સુધીમાં 6,785 ફોન આવ્યા
- 27 લોકોનો જીવ સ્યુસાઇડ પોઇન્ટ પર પોલીસ વાન મોકલી બચાવ્યો
ગાંધીનગર : ગાંધીનગર એસપી ઓફિસમાં તણાવગ્રસ્ત લોકો માટે સુરક્ષા સેતુ અંતર્ગત જીવન આસ્થા હેલ્પલાઇન (jeevan Ashtha helpline) ચલાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાત ભરમાંથી લોકો ફોન કરી કાઉન્સિલિંગ લઇ રહ્યા છે. કોરોનામાં ફોન કોલ્સ વધી ગયા છે. રોજના એવરેજ 100 જેટલા ફોન અત્યારે આવી રહ્યા છે. 18002333330 હેલ્પલાઇન નંબર પર ત્રણથી ચાર ગણા ફોન કોલ કોરોના પછી વધ્યા છે. 27 લોકો એમાં એવા હતા કે જે સ્યુસાઇડ પોઇન્ટ પર ઊભા હોય અને તેમને અંતિમ ફોન કર્યો હોય તેવા લોકોને ફોન પર PCR વાનને ત્યાં મોકલી કાઉન્સિલિંગ કરી તેમનો જીવ બચાવ્યો હતો.
કોરોનામાં તણાવ અનુભવતા દોઢ વર્ષમાં 6,785 લોકોએ ફોન કર્યો, 519 સ્યુસાઈડલ કોલ આવ્યા
કોરોનામાં તણાવ અનુભવતા લોકોના કિસ્સાઓ અને કેસ સાઈકોલોજીસ્ટને ત્યાં વધી ગયા છે. આ ઉપરાંત હેલ્પલાઇન પર પણ લોકો ફોન કરી કાઉન્સિલિંગ મેળવી રહ્યા છે. જીવન આસ્થા હેલ્પલાઇનને કોરોનામાં અત્યાર સુધીમાં 6,785 તણાવગ્રસ્ત લોકોનું કાઉન્સિલિંગ કર્યું છે. જેમાં કોરોનામાં દોઢ વર્ષમાં 519 સ્યુસાઈડલ કોલ આવ્યા છે. 2020માં 4973 લોકોએ કાઉન્સિલિંગ માટે ફોન કર્યો હતો. જેમાં 330 સ્યુસાઈડલ ફોન આવ્યા હતા. જ્યારે 2021માં અત્યાર સુધી 1812 લોકોએ ફોન કર્યા છે જ્યારે 189 સ્યુસાઈડલ કોલ હતા. તમામનું કાઉન્સિલિંગ જીવન આસ્થા હેલ્પલાઇન દ્વારા કરવામાં આવ્યું છે.
મ્યુકોર માઇકોસિસ થઈ ગયો હોવાથી રિવરફ્રન્ટ પર યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
અમદાવાદ રિવરફ્રન્ટ પર એક યુવતીએ જીવન આસ્થા હેલ્પલાઇન પર ફોન કર્યો અને તેને જણાવ્યું કે, મને પહેલા કોરોના થયો હતો. જે બાદ મ્યુકોરમાઇકોસીસ થયો, જે કારણે મારો ફેસ બગડી ગયો છે. હું પહેલા જેવી ખૂબસુરત નહીં લાગુ, મારી સર્જરી કરવાનું કહ્યું છે પરંતુ હું કદરૂપી દેખાઇશ. આ વિચારથી હું આત્મહત્યા કરવા જઈ રહી છું. પરંતુ જીવન આસ્થાએ તેનો જીવ બચાવ્યો.
ઘરકંકાસથી કંટાળીને યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ઘરકંકાસ અને આર્થિક પરિસ્થિતિને લીધે કંટાળી નવસારીથી એક યુવકનો ફોન આવ્યો હતો અને તેને સ્યુસાઇડ કરતા પહેલા જીવન આસ્થા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. આ સમયે જ પોલીસ કંટ્રોલરૂમ દ્વારા નવસારી પોલીસને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક નવસારીથી PCR વાનને સ્થળ પર મોકલવામાં આવી હતી. PCR વાનમાં બેઠેલા પોલીસના જવાનોએ આત્મહત્યા કરવા આવેલા યુવકને શોધી સમજાવી કાઉન્સેલિંગ કરી ઘરે પરત મોકલવામાં સફળતા મેળવી હતી.
ધંધો બંધ થવાથી એક બિઝનેસમેને આત્મહત્યાની કોશીષ કરતા તેનો જીવ બચાવ્યો
નારદીપુરથી રાત્રે 10.30 કેનાલ પરથી આત્મહત્યા કરતા પહેલા ઉદ્યોગ, ધંધા સાથે જોડાયેલા એક વ્યક્તિનો ફોન આવ્યો અને કોરોનામાં કામ, ધંધા બંધ થઈ ગયા છે. ઘર ખર્ચ પૂરતો થતો નથી, ઘરે રોજ ઝગડાઓ થાય છે જેથી આત્મહત્યા કરવા આવ્યો છું તેવું કહેનાર બિઝનેસમેનનો જીવ બચાવ્યો.