- રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓનું 11 ટકા મોંઘવારી ભથ્થું વધાર્યું
- પ્રધાનો અને ધારાસભ્યો પણ સરકારી કર્મચારી
- પ્રધાનો અને ધારાસભ્યોને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ
- કુલ 28 ટકા મોંઘવારી ભથ્થું વધ્યું
ગાંધીનગર: કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં જ સરકારી કર્મચારીઓ માટે 28 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 6 સપ્ટેમ્બરના રોજ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે 11 ટકા મોંઘવારી ભથ્થુ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. અગાઉ 17 ટકા જેટલું મોંઘવારી ભથ્થુ અપાઈ ગયું છે, ત્યારે 11 ટકા બાકીનું મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે. આમ કુલ કેન્દ્ર સરકારના નોટિફિકેશન પ્રમાણે રાજ્ય સરકારે પણ હવે 28 ટકા મોંઘવારી ભથ્થું આપી દીધું છે.
કેબિનેટ અને રાજયકક્ષાના પ્રધાનો, ધારાસભ્યો સરકારી કર્મચારી
દેશના બંધારણ મુજબ રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનો રાજ્યકક્ષાના પ્રધાનો અને ધારાસભ્યોની સરકારી કર્મચારી તરીકે ગણતરી થાય છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા જે 28 ટકા મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે તેમાં તમામ રાજ્યોના મુખ્ય પ્રધાન સહિત કેબિનેટ પ્રધાન, રાજ્યકક્ષાના પ્રધાન અને તમામ ધારાસભ્યોના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે. આમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા જે 11 ટકા મોંઘવારી ભથ્થુ વધાર્યું છે તેમાં તમામ પ્રધાનો અને ધારાસભ્યોની ગણતરી પણ કરી લેવામાં આવી છે જેથી મોંઘવારી ભથ્થાના કારણે રાજ્યના તમામ કેબિનેટ પ્રધાન, રાજ્યકક્ષાના પ્રધાન અને તમામ ધારાસભ્યોના પગારમાં પણ વધારો નોંધાશે.
કેટલો પગાર વધારો થશે
રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ધારાસભ્યોના પગાર પર કઈ રીતની અસર થશે તેની વાત કરવામાં આવે તો ધારાસભ્યોના પગારમાં 14,520 રૂપિયાનો વધારો થશે, જ્યારે કેબિનેટ કક્ષાના પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાનોમાં કુલ 12,760 રૂપિયાનો વધારો થશે. આમ મંત્રીઓ એટલે કે રાજ્યના કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના પ્રધાનોને 1.46 લાખ પગાર મળવાને પાત્ર થશે અને ધારાસભ્યોને 1.28 લાખ પગાર મળશે.
રાજ્ય સરકારે 2 તબક્કામાં જાહેર કર્યું મોંઘવારી ભથ્થું
મોંઘવારી ભથ્થાની જાહેરાતમાં રાજ્ય સરકારની નીતિની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે અગાઉ 17 ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે. 6 સપ્ટેમ્બરના રોજ બીજું બાકીનું 11 ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે. આમ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નોટિફિકેશનના 28 ટકા મોંઘવારી ભથ્થાના બે તબક્કામાં ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ, ધારાસભ્યો તથા પ્રધાનોને મોંઘવારી ભથ્થાનો લાભ આપવામાં આવ્યો છે.
વધુ વાંચો: PIU હેલ્પ વિભાગના કર્મચારીઓએ વેતન વધારાની માગ સાથે વિરોધ કર્યો
વધુ વાંચો: વડોદરામાં 13 વર્ષથી પગાર વધારો ન થતા ફાયરના જવાનોએ કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ