- રાજ્યમાં કોરોનાની લહેરમાં ફરી ઓક્સિજનની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર સજ્જ
- 251 કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા
- 500 પ્લાન્ટમાં 200 જેટલા પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાના બાકી
ગાંધીનગર: સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની માગમાં વધારો થયો હતો, ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરમાં ગુજરાતમાં ઓક્સિજન બાબતે અછત ન સર્જાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ ખાતે નવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે કુલ 500 જેટલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાનું આયોજન હતું, જેમાંથી અત્યારે 300 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 200 જેટલા પ્લાન્ટનું કાર્ય પ્રગતિ હેઠળ હોવાની વિગતો સામે આવી રહી છે.
ઓક્સિજનની કેપેસિટી વધારવામાં આવી
ઓક્સિજનની ઉપલબ્ધ બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પહેલા 800 મેટ્રિક ટન કેપીસીટીમાં ઓક્સિજનનું ઉત્પાદન થતું હતું, પરંતુ બીજી લાઈનમાં રાજ્ય સરકારે તે ઉત્પાદન બાદ મેટ્રિક ટન કરવામાં આવ્યું. ત્યારબાદ હવે કોરોનાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 1800 મેટ્રિક ટન ઓક્સિજન પ્રતિ દિવસનું ઉત્પાદન કરવાનું આયોજન કર્યું છે.
ત્રીજી લહેરમાં 1890 મેટ્રિક ટનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઇ
બીજી લહેરમાં ઓક્સિજનની અછત અને ઘટ અનેક જગ્યાએ સર્જાઇ છે, ત્યારે ત્રીજી વેવમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બીજી લહેર દરમિયાન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી, જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન અને ગુજરાત રાજ્યમાં 1150 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી, ત્યારે ત્રીજી લહેરમાં 1890 મેટ્રિક ટનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે વર્તમાન સમયમાં 24 જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, ત્યારે આવનારા દિવસોમાં 400 જેટલા પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવશે. જેથી 400 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત oxygen concentrator હાલ 700 છે, તેને પણ વધારીને 10,000 કરવામાં આવશે.
21 જિલ્લામાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા
મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 21 જિલ્લાઓમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે, જ્યારે બે હજાર જેટલા oxygen concentrator કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે. જે જગ્યાએ અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજનની ઓછી જરૂર પડશે, ત્યાં ઓક્સિજનથી ચાલુ કરવામાં આવશે.
જ્યાં પ્લાન્ટ નહિ હોય ત્યાં ઓક્સિજન સ્ટોર કરવામાં આવશે
આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જે જગ્યાએ અથવા તો જે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા નહીં હોય તો તેવી જગ્યાએ ખાનગી કંપનીઓને સાથે રાખીને ભાડે પ્લાન્ટ ઉભા કરવામાં આવશે અથવા તો જમ્બો પ્લાન્ટ સ્વરૂપે ઓક્સિજનને સ્પેરમાં રાખવામાં આવશે. આમ રાજ્યના એક પણ જિલ્લામાં ઓક્સિજનની તંગી ત્રીજી લહેર દરમિયાન ન થાય તે બાબતે પણ ખાસ ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યું છે.
બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઇ
મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નાના બાળકો માટે પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આમ મોટા શહેરોમાં તો રાજ્ય સરકારે બાળકો માટે અલગ વોર્ડ ઉભા કર્યા છે, ત્યારે અમુક સ્થાનિક જિલ્લા લેવલે બેડની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ 20 ટકા પ્રમાણે તમામ બેડના પ્રકારની વાત કરવામાં આવે તો આઇસીયુમાં 20 ટકા, ઓક્સિજન બેડમાં 20 ટકા અને સામાન્ય બેડમાં 20 ટકા બેડ સ્પેશિયલ બાળકો માટે વધારવામાં આવ્યા છે.