- ડૉકટરોએ ચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની આપી ચીમકી
- પગાર વધારા સહિતની કરી છે માગ
- સરકારે 8 જુલાઈ સુધી નિર્ણય કરવાની બાંહેધરી આપી
ગાંધીનગર: રાજ્યમાં ઇન સર્વિસ ડોક્ટર્સે ચોક્કસ મુદ્દતની હડતાળ (Strike) પર જવાની ચીમકી આપી હતી. જોકે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યાં હતા. જેમાં આજે શુક્રવારે રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ (Deputy Chief Minister Nitin Patel) અને આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશ્નરની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં 8 જુલાઈ સુધી નિર્ણય કરવાની બાંહેધરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
ક્યા-ક્યા પડતર પ્રશ્નો
ડોક્ટરના પ્રમુખ ડૉ. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Deputy Chief Minister Nitin Patel) સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં તમામ પડતર પ્રશ્નો મુદ્દે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી છે. પડતર પ્રશ્નોની જો વાત કરવામાં આવે તો સાતમા પગાર પંચ પ્રમાણે નવા તબીબોના પગાર વધારવા અને ઇન સર્વિસ તબીબોને 25 ટકા ભેટ આપવાની પણ માગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રાજકોટના 170 ઈન્ટર્ન ડોક્ટર વિવિધ માગણીઓ સાથે હડતાળમાં જોડાયાં
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળી હતી બેઠક
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી ડોક્ટરોની બેઠક 6 વાગ્યાની આસપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન કમિટીમાં જવા માટે ગયા હતા, પરંતુ તેમ છતાં પણ સાડા સાત વાગ્યા સુધી ડોક્ટરોએ અંદરો અંદર સરકારે કરેલા નિર્ણયો અંગે ચર્ચા કરી હતી. ઈન સર્વિસ ડોક્ટર હડતાલ કરે તે પહેલાં જ રાજ્ય સરકારે ડોક્ટર્સ સાથે બેઠક બોલાવી તમામ પ્રશ્નોના નિરાકરણ બાબતે રાજ્ય સરકારે મંજૂરી આપી હોવાનું નિવેદન ડોક્ટરો દ્વારા આપવામાં આવ્યું છે. જોકે, 8 તારીખ સુધી નિર્ણય નહીં આવે તો ડોક્ટર એસોસિએશન દ્વારા આગામી આયોજન કરવાની ચીમકી પણ ડોક્ટરોએ આપી છે.