ગાંધીનગર : રથયાત્રા બાબતે રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. ત્યાર બાદ ફરીથી ગુજરાતને અમદાવાદની રથયાત્રા માટેની આશા જાગી હતી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 22 જૂનના દિવસે સાંજે આરતીમાં ગયા ત્યારે ટ્રસ્ટીઓ સાથે ચર્ચાઓ કરી હતી અને સરકાર રથયાત્રા યોજવા માટે તૈયાર છે. સાથે જ ગુજરાત પોલીસે પણ તમામ તૈયારી કરી દીધી છે. જ્યારે મોડી રાતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
આ અરજીમાં અમદાવાદમાં નીકળનારી જગન્નાથ ભગવાનની રથયાત્રા સવારે 7:00 નિજ મંદિરથી નીકળીને સવારના સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ પરત ફરશે, સોશિયલ ડિસ્ટન્સ, સંક્રમણ ન ફેલાય તે માટેના તમામ પગલાંઓ અને જે વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થશે તે તમામ વિસ્તારમાં જનતા કર્ફ્યૂ અમલ કરવામાં આવશે, આ તમામ શરતો સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ ઓડિશાનું પુરી ગ્રીન ઝોનમાં છે, જ્યારે અમદાવાદ રેડ ઝોનમાં હોવાના કારણે હાઇકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. સાથે જ જો સુપ્રીમ કોર્ટમાં જઈએ તો સંપૂર્ણ સમય ન મળે તેના માટે સુપ્રીમ કોર્ટનો એપ્રોચ કર્યો નહીં.
ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવા માટે રાજ્ય સરકારે અને અમદાવાદ પોલીસે તમામ પ્રયત્નો કર્યા હતાં.