- ETV Bharat દ્વારા જીતુ વાઘાણી સાથે ખાસ વાતચીત
- જીતુ વાઘાણી પ્રધાનમંડળમાં સ્થાન પામે તેવી શક્યતાઓ
- જો સ્થાન અપાશે તો પણ કાર્યકર્તાની જેમ જ કામ કરીશ
ગાંધીનગર: ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના શપથ સમારોહ બાદ ETV Bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલને ખાસ અભિનંદન આપું છું. જ્યારે ભુપેન્દ્ર પટેલ થી આવનારા દિવસોમાં ગુજરાતનો વિકાસ વધુ વેગવંતો બનશે. આ સાથે તેમને પ્રધાનમંડળમાં સ્થાન અંગે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, જો મને પ્રધાન બનાવવામાં આવશે તો પણ હું પાર્ટીના કાર્યકર્તાની જેમ જ કામ કરીશ.
જીતુ વાઘાણી ભાવનગર ના ધારાસભ્ય
જીતુ વાઘાણીની જો વાત કરવામાં આવે તો તેઓ સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આમ, રૂપાણી સરકારમાં ભાવનગરથી વિભાવરીબેન દવેની રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં વિભાવરીબેન દવેની બાદબાકી થાય તેવી પણ વાતો વહેતી થઇ છે. ત્યારે ભાવનગર શહેરમાં વિભાવરીબેન દવે બાદ જીતુ વાઘાણી અગ્રેસર છે. ત્યારે જીતુ વાઘાણીનું નામ રાજ્યના પ્રધાન મંડળમાં આવે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.
શપથ સમારોહમાં તમામ ધારાસભ્યો રહ્યા હાજર
રાજભવન ખાતે નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની શપથ વિધી કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય નિરીક્ષકો સાથે કેન્દ્રીય પ્રધાન જેવા કે મનસુખ માંડવિયા, પરષોત્તમ રુપાલા સહિત ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત અન્ય 4 રાજ્યના મુખ્ય પ્રધાનો પણ હાજર રહ્યા હતા. આ સાથે જ ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો પણ ભુપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં હાજર રહ્યા હતા.