- કે.કૈલાસનાથન છે PM મોદીના અત્યંત વિશ્વાસુ વ્યક્તિ
- રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે સતત એક્સ્ટેન્શન
- રાજ્યમાં 3 મુખ્યપ્રધાનો બદલાયા, પરંતુ કે.કૈલાસનાથનને 7વાર એક્સ્ટેન્શન
ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ભાજપની સરકાર સત્તામાં છે, ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન (Chief Minister) અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે કે.કૈલાસનાથન નરેન્દ્ર મોદીની ખુબજ નજીક આવ્યા હતા. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યપ્રધાને વડાપ્રધાન તરીકે ચાર્જ લીધો તે દરમિયાન મુખ્યપ્રધાનના અંગત સચિવોને મોદી દિલ્હી લઈને ગયા, પરંતુ કે.કૈલાસનાથન (K.Kailashnathan)ને ગુજરાતની જવાબદારી સોંપીને ગુજરાત જ રાખવામાં આવ્યા હતા.
કોણ છે કે. કૈલાસનાથન?
મૂળ તમિલનાડુના વતની કૈલાસનાથન ગુજરાત સરકારમાં IAS અધિકારી તરીકે 1979થી ફરજ બજાવી રહ્યા છે, તેમણે ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી છે. કે.કૈલાસનાથને સુરત કલેક્ટર, સુરેન્દ્રનગર કલેક્ટર અને ત્યારબાદ વર્ષ 1991થી વર્ષ 2001 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પણ ફરજ બજાવી છે. હાલમાં તેઓ મુખ્યપ્રધાનના અગ્ર સચિવ તરીકે CMOમાં ફરજ બજાવી રહ્યા છે.
PM મોદી ગુજરાતની તમામ માહિતી કૈલાસનાથન પાસેથી મેળવે છે
વર્ષ 2014માં વડાપ્રધાન તરીકે નિયુક્ત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાના વિશ્વાસુ એવા સનદી અધિકારીને ગુજરાતમાં જ રાખવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે અન્ય તેમની સાથે રહેલા એ.કે. શર્માસ હસમુખ અઢિયાસ જી.સી. મુમરુંસ સંજય ભાવસાર અને પી.કે. મિશ્રાને તેઓ દિલ્હી લઈ ગયા હતા, પરંતુ કે કૈલાસનાથનને ગુજરાત જ રાખવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારની અને ગુજરાત સરકારની કામગીરીની તમામ વાતો અને રિપોર્ટ કૈલાસનાથન પાસેથી મેળવતા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઇ રહી છે.
7 વખત આપવામાં આવ્યું એક્સ્ટેન્શન
આમ તો સનદી અધિકારીઓને એક વર્ષની જ એક્સટેન્શન આપવામાં આવે છે, પરંતુ કે. કૈલાસનાથનના કેસમાં આખું અલગ જ છે. રાજ્ય સરકાર દ્વારા 7 વખત કે. કૈલાસનાથનને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વર્ષ 2013માં તેઓ વયનિવૃત થયા હતા, પરંતુ ત્યારબાદ સતત એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે. તેમને પ્રથમ વખત એકસ્ટેન્શન રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું, ત્યારબાદ ગુજરાત રાજ્યમાં 3 મુખ્યપ્રધાન બદલાયા તેમ છતાં પણ કે. કૈલાસનાથનને સતત 7 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આમ આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને હાલમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
સરકારના મહત્વના નિર્ણયો કરે છે કે.કૈલાસનાથન
ગુજરાત સરકારના મહત્વના નિર્ણયો પણ કે.કૈલાસનાથન પાસે પાસ થયા બાદ જ કરવામાં આવતા હોય તેવા પણ સમાચારો અને વાતો સચિવાલયમાં વહેતી થઈ છે. રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો તથા અમુક નિર્ણયો કે જે યોગ્ય ન હોય તેવા નિર્ણયને બદલવાનો નિર્ણય પણ કે.કૈલાસનાથન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કર્યા બાદ કરે છે. આમ સરકારના અનેક મહત્વના નિર્ણયો કરવામાં કે.કૈલાસનાથનનો મહત્વનો ફાળો રહ્યો છે, જ્યારે કે.કૈલાસનાથનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંખ તરીકે પણ ગણના કરવામાં આવી રહી છે.
ભાજપની સરકાર રહેશે ત્યાં સુધી કે.કૈલાસનાથન રહેશે
વર્ષ 1979ના IAS અધિકારી કે.કૈલાસનાથનને વર્ષ 2013થી એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે, જેનો કોંગ્રેસ દ્વારા પણ નામ સાથે નહીં પરંતુ આડકતરી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાજ્ય સરકાર એક્સ્ટેન્શન પર ચાલતી હોવાના આક્ષેપ પણ અનેક વખત વિધાનસભામાં કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર રહેશે ત્યાં સુધી કે.કૈલાસનાથન રહેશે, પરંતુ જો સત્તા પલટો થશે તો તાત્કાલિક ધોરણે કૈલાસનાથનને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી બોલાવી લેશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: C.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું
આ પણ વાંચો: શુક્રવારથી શહેરી ગ્રામ્ય વિસ્તારમાં 2,500 સેવાસેતુ કાર્યક્રમમાં 56 સેવાઓ પૂરી પડાશે