- પેટા ચૂંટણીમાં વિજયી બનેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ઈટીવી ભારત સાથે કરી ખાસ વાત
- હવે મોરબીના વિકાસમાં વધુ વેગ આપવા સીરામીક ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે
- માળખાકીય કામોને પ્રથમ અગ્રીમતા,એર કનેક્ટિવિટી મુદ્દે સરકાર સાથે કરીશું ચર્ચા
ગાંધીનગર :ગાંધીનગરમાં આજે પેટાચૂંટણીમાં વિજેતા બનેલાં આઠ ધારાસભ્યોનો શપથવિધિ યોજાઈ ગયો. જેમાં બ્રિજેશ મેરજાએ પણ શપથ લીધાં હતાં. બ્રિજેશ મેરજાએે ETVBharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે મોરબી વિધાનસભા વિસ્તારમાં સિરામિક ઉદ્યોગોનું વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. મોરબી સિરામિક ઉદ્યોગને લીધે જ અત્યારે જાણીતું છે. ત્યારે આવનારા સમયમાં મોરબી વિધાનસભા ક્ષેત્રમાં સિરામિક ઉદ્યોગને વધુ પ્રાધાન્ય આપીને વિશ્વ ફલક પર એક અલગ ઓળખાણ ઊભી કરવામાં આવે તેવો પણ પ્રયત્ન કરવામાં આવશે.
મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે મોરબી સિરામિક ઉદ્યોગોનું હબ છે ત્યારે વિશ્વ ફલક પર મોરબીને લઈ જવા માટે એર કનેક્ટિવિટીની જરૂર હોય છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એર કનેક્ટિવિટી મુદ્દે ચર્ચા-વિચારણા કરીને કરોડો રૂપિયાની જમીનની ફાળવણી પણ કરી છે. ત્યારે આ પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય અને મોરબીના સિરામિક ઉદ્યોગ અને ઝડપથી એર કનેક્ટિવિટી પ્રાપ્ત થાય તે રીતના પણ પ્રયત્નો કરવામાં આવશે.
- આંતરમાળખાકીય સુવિધામાં વધારો
મોરબી વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધા જેવી કે રસ્તાઓ, ગટર, લાઈટ જેવી તમામ સુવિધાઓનો ફરીથી સર્વે કરીને જ્યાં જ્યાં જે જે વસ્તુઓની અછત હશે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. ત્યારે સૌથી પ્રથમ પ્રાધાન્ય લોકોને સારી આંતરમાળખાકીય સુવિધા મળી રહે તે જ રહેશે.
આમ બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા વગર ભાજપ પક્ષમાં રહીને હવે સૌથી વધુ વિકાસના કામ થશે અને મોરબી વિધાનસભા ક્ષેત્રમાં વિકાસના કામ વધુ ઝડપથી કરવામાં આવશે તેવી પણ વાત ઇટીવી ભારત સાથે કરી હતી.