ડૉ.રવિએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગો માટે GVKEMRI મારફતે 104 હેલ્પલાઇન કાર્યરત છે. જેના દ્વારા તાવના કેસમાં ઘર બેઠા સારવાર આપવાની વ્યવસ્થા કરાઇ છે, જેનો નાગરિકોએ મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. તાવ જણાય તો શરીરનું તાપમાન જળવાઇ રહે એ માટે ત્વરિત પાણી પીવું, આરામ કરવો તથા પેરાસીટામોલ દવા લેવી. તથા જાગૃતિ માટે પ્રત્યેક નાગરિક દશ મિનિટ દરરોજ ફાળવીને પોતાના ઘરમાં અને ખુલી જગ્યામાં પાણીના કુંડા જેવા કન્ટેનરો નિયમિત સાફ કરાવે તથા આડોશ પાડોશના વિસ્તારોમાં પણ જાગૃતિ માટે સહયોગ કરે તે જરૂરી છે.
ડૉ.રવિએ ઉમેર્યુ કે, રાજ્યમાં ઓક્ટોબર 19 સુધીમાં ગત વર્ષની સરખામણીએ મેલેરિયાના કેસોમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 27 ટકા, અમદાવાદમાં 54 ટકા, ક્ચ્છમાં 28 ટકા, દાહોદમાં 44, ભરૂચમાં 38, અને સુરેન્દ્રનગરમાં 66 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડેન્ગ્યુના કેસોમાં પણ 35 ટકા ઘટાડો નોંધાયો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 64, જામનગરમાં 39, રાજકોટમાં 30, વડોદરામાં 66, ગાંધીનગરમાં 47, પાટણમાં 90, પંચમહાલમાં 39, અને જામનગરમાં 31 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
મેલેરિયા નિયંત્રણ માટે રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરીને ડોર ટૂ ડોર ફરીને ફીવર સર્વેલન્સ અને મચ્છર ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરવાની સઘન કામગીરી કરી રાજ્યની 97 ટકા વસ્તીને આવરી લેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં 235 (1135 ફિલ્ડવર્કરો) વેકટર કંટ્રોલ ટીમો દ્વારા રોગ અટકાયત કામગીરી પૂર્ણ કરાઇ છે. રાજ્યના 18.16 લાખથી વધુ વસ્તીમાં 2 રાઉન્ડ જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે. ઉપરાંત 4.4 લાખ મચ્છરદાનીઓ સગર્ભા બહેનોને વિતરણ કરાઇ છે. ડેન્ગ્યુ નિયંત્રણ માટે પણ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.