- કોરોનાકાળમાં રાજ્યના આરોગ્ય વિભાગના મોટા સમાચાર
- આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી
- કેન્દ્ર સરકારે જયંતિ રવિની કરી બદલી
ગાંધીનગર: રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની કેન્દ્ર સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. જયંતી રવિને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. લાંબા સમયની અટકળો બાદ અંતે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના મહામારીના સેકન્ડ વેવમાં મિસ મેનેજમેન્ટનો ટોપલો જયંતી રવિ પર ઢોળીને તેમને ટાઢા પાણીએ કાઢવામાં આવ્યા હોવાનું પણ સ્વર્ણિમ સંકૂલના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ 1 એપ્રિલથી 45થી 59 વર્ષના લોકોને રસી આપવાનું શરૂ કરાશે: જયંતિ રવિ
2 મહિનાથી બદલીની વાતો ચાલી રહી હતી
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિની બદલીના ભણકારા ગત 2 માસથી ચર્ચાઈ રહ્યા હતા. જ્યંતિ રવિએ પોતે હવે તેમના માદરે વતનમાં સેવા આપવાનું મન બનાવીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનું ધ્યાન દોર્યું હતું. જો કે, જયંતિ રવિ પોંડીચેરીના મુખ્ય સચિવ બનાવાશે તેવી ચર્ચા હતી, પરંતુ તેના બદલે તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. જો કે, તેમને આ પ્રકારનું ટ્રાન્સફર કેમ આપવામાં આવ્યું છે તેના પર અનેક ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર તરફથી સૂચના મળતાં જ રાજ્ય સરકારે જયંતિ રવિને રાજ્યની સેવામાંથી છૂટાં કરવા માટેની ઔપચારિકતા આરંભી દેવાઈ હતી. જેના પગલે તેમની બદલી કરાઈ હોવાની વાતો વહેતી થઈ છે, તો ક્યાંય ચર્ચાઇ રહ્યું છે કે, જ્યંતિ રવિએ સરકાર સામે પ્રસ્તાવ મૂકીને સ્વૈચ્છિક બદલીની માગ કરી હતી
જયંતિ રવિ મૂળ ચેન્નાઈના છે
સચિવાલયમાં જ્યંતિ રવિની નજીકના રહેલા તેમના અધિકારીઓનું કહેવું છે કે, ડૉ.જયંતી રવિ મૂળ તામિલનાડુનાં છે. 17 ઑગસ્ટ 1967ના રોજ જન્મેલા જયંતિ રવિ 1991ની બેચના IAS અધિકારી છે. 15 સપ્ટેમ્બર, 1991ના રોજ તેમણે IAS તરીકેની પોતાનો પદભાર સંભાળ્યો હતો. જયંતિ રવિએ ઈ-ગવર્નન્સમાં PhD કર્યું છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ MSC થયાં છે. માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનનો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતિ રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં 2 વર્ષ કામ કર્યું છે. તે ખૂબ સહજ અને સરળ સ્વભાવના છે. તે હંમેશા ટીમ વર્કથી કામ કરતા હતા અને કર્મચારીઓથી કામમાં ભૂલ થાય તો તે ભૂલને નજર અંદાજ કરી ને તેને સહજતાથી તેની ભૂલ સમજાવતા હોય છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ઘટાડવા '10' દિવસનો પ્લાન, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 8155 પર પહોંચી
ગુજરાતમાં જયંતિ રવિનો કાર્યકાળ
રાજ્યમાં ડૉ. જયંતિ રવિના કાર્યકાળ પર નજર કરવામાં આવે તો તેવો વર્ષ 2002માં પંચમહાલ જિલ્લાના કલેક્ટર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યલય જેવા વિભાગોમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સિવાય તેઓ કડક વહીવટકર્તા છે. જયંતિ રવિ 11 જેટલી ભાષા જાણે છે. તેમણે સંસ્કૃત ભાષામાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે મેનેજમેન્ટ વિષયમાં PhD પણ કર્યું છે.