- અમિત શાહના જન્મદિવસે ગાંધીનગરમાં 51 હજાર હોમાત્મક હવન કરાયો
- ગાંધીનગર શહેરના સેક્ટર 1માં ઋષિવંશી સમાજ દ્વારા હવન કરાયો
- દેશમાંથી કોરોના વાઈરસ ઝડપથી દૂર થાય તેવી માતાજીને પ્રાર્થના કરાઇ
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહનો ગુરૂવારના રોજ જન્મદિવસ છે. ત્યારે કાર્યકરો દ્વારા જન્મ દિવસે અનેક સેવા કાર્યો કરવામાં આવતા હોય છે. તેવા સમયે ગુરૂવારના રોજ ગાંધીનગર શહેરના સેક્ટર 1માં ઋષિવંશી સમાજના પ્રમુખ હેમરાજભાઈ પાડલીયા અને મિત્રો દ્વારા 51 હજાર હોમાત્મક હવન કરવામાં આવ્યો હતો. સવારથી લઈને સાંજ દરમિયાન ભુદેવોની હાજરીમાં ધાર્મિક વિધિ સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના અનેક લોકોએ લાભ લીધો હતો.
દેશ પ્રગતિના પંથે જલ્દીથી જોવા મળે તેવી માતાજીને પ્રાર્થના પણ કરવામાં આવી હતી
ઋષિવંશી સમાજના પ્રમુખ હેમરાજભાઈ પાડલીયાએ કહ્યું કે, કોરોના વાઈરસની બીમારી બાદ ગૃહ પ્રધાન સાજા થયા છે. ત્યારે આગામી દિવસોમાં તેમનું શરીર સ્વસ્થ રહે અને દેશની પ્રગતિમાં અડચણ રૂપ તમામ કાર્યો નિર્વિઘ્ને પુરા પાડે તે માટે આજે હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ. તે ઉપરાંત સમાજ રાજ્ય અને દેશમાંથી કોરોના વાઈરસ ઝડપથી દૂર થાય અને દેશ પ્રગતિના પંથે જલ્દીથી જોવા મળે તેવી નવરાત્રીના દિવસોમાં માતાજીને પ્રાર્થના પણ કરવામાં આવી હતી.