ગાંધીનગરમાં 'ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન્સ’ અંગે વિચાર-વિમર્શ આવનારા 2 દિવસમાં કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ઉપક્રમે 16 નવેમ્બરથી 18 નવેમ્બર 2019 સુધી ગાંધીનગર ખાતે ‘6th નેશનલ સમિટ ઓન ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન્સ ઇન પબ્લિક હેલ્થકેર સિસ્ટમ ઇન ઇન્ડિયા’ વિષયક સેમિનાર યોજાશે.
આ અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશને સ્વસ્થ બનાવવા માટે પગલાં ભરવા જઇ રહ્યું છે. શનિવારે સેમિનારમાં રાજ્યની આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એવોર્ડ આપવામાં આવ્યા તથા આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યનું પ્રોત્સાહન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાં તેલંગણા રાજ્યને પ્રથમ નંબર આપવામાં આવ્યો અને ગુજરાતનો સમગ્ર દેશમાં નંબર 4 આવ્યો છે.
દરમિયાન કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, દેશ પોલિયો મૂકત બની ગયો છે અને કેન્સર જેવી મોટી બીમારીઓને નાથવા માટે સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અંગે લીધેલા નિર્ણયોની જાણકારી આપી હતી.
ગાંધીનગમાં થયેલા સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન એ.કે.ચોબે તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન કિશોર કાનાણી ઉપસ્થિત રહ્યા હતાં.
ત્રિદિવસીય સેમિનારમાં વિવિધ 9 સત્રો યોજાશે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તિસગઢ, મેઘાલય, ઉત્તરપ્રદેશ, ઓડિશા, મણીપુર, મહારાષ્ટ્ર, હરિયાણા, તેલંગણા, હિમાચલપ્રદેશ, બિહાર, તમિલનાડુ, કેરલ, ચંદીગઢ અને દિલ્હી રાજ્યોમાં આરોગ્ય ક્ષેત્રે હાથ ધરાયેલ શ્રેષ્ઠ કામગીરીનું પ્રેઝન્ટેશન કરશે. આ ઉપરાંત નીતિ આયોગ, WHO દ્વારા આરોગ્ય વિષયક લેવાયેલ પગલાંઓ સંદર્ભે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેમાં આરોગ્યલક્ષી સંસ્થાના વડા, તજજ્ઞો અને વિષય નિષ્ણાંતો પોતાના મંતવ્ય રજૂ કરશે.