- ચણા, રાયડો અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરાશે
- પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાની જાહેરાત
- માગફળીની ખરીદી પૂર્ણતાને આરે
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીની ખરીદી બાદ હવે ચણા, રાયડો અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જાહેરાત કરી હતી કે, ચણા, રાયડો અને તુવેરના ટેકાના ભાવે ખરીદી માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ ખરીદી શરૂ થશે.
15 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન થશે
અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જાહેરાત કરી હતી કે, આગામી 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન તુવેરની નોંધણી કરાવી શકાશે. આ નોંધણી ગ્રામ્ય સ્તરે પણ કરી શકાશે. જે બાદમાં જેમને પોતાની તુવેરની નોંધણી કરાવી હશે, તેમની તુવેરની ખરીદી પહેલી ફેબ્રુઆરીથી પહેલી પહેલી મે સુધી કરવામાં આવશે. 105 માર્કેટિંગ યાર્ડ મારફતે 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે.
પાકનું નામ | ટેકાના ભાવ(પ્રતિ ક્વિન્ટલ) | ખરીદ કેન્દ્રોની સંખ્યા |
---|---|---|
ચણા | 5,100 રૂપિયા | 188 |
તુવેર | 6,000 રૂપિયા | 105 |
રાયડો | 4,600 રૂપિયા | 99 |
ચણા માટે 1 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન
જયેશ રાદડિયા વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો ચણાનું ટેકાના ભાવે વેચાણ માટે 1લી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે. જે બાદમાં 16મી ફેબ્રુઆરીથી 16મી મે સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે. ક્વિન્ટલ દીઢ 5,100 રૂપિયાના ભાવે 188 ખરીદી કેન્દ્રો પરથી ચણાની ખરીદી થશે. તેમજ રાયડા માટે ખેડૂતો પહેલી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે. 16મી ફેબ્રુઆરીથી 16મી જૂન સુધી રાયડાની ખરીદી ક્વિન્ટલ દીઢ 4,650 રૂપિયાના ભાવે કરવામાં આવશે. આ માટે 99 માર્કેટિંગ યાર્ડ નક્કી કરવામાં આવ્યા છે.
મગફળીની ખરીદી પૂર્ણતાને આરે
રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી 1,08,772 ખેડૂતોએ પોતાની મગફળી વેચી છે. જેમાં સરકારે ટેકાના ભાવે કુલ 16 હજાર કરોડની ખરીદી કરી છે. ખરીદી પૈકી 928 કરોડની ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે. આ સાથે જ ડાંગર અને મકાઈની ખરીદીની પ્રક્રિયા લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. હવે 31મી જાન્યુઆરી સુધી ખરીદી પ્રક્રિયા ચાલશે.
ઉત્તરાયણ તહેવાર નિમિતે NFSA પરિવારોને 1 કિલો ચણા મફત અપાશે.
કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અન્ય તમામ વ્યક્તિને બેઠકમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે NFSAના 68.80 લાખ પરિવારને એક KG ચણા મફતમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.