- રાજ્યમાં ટુરિઝમ ક્ષેતના મુદ્દાઓ પ્રશ્નોતરીમાં સામે આવ્યાં
- ટેન્ટ બાંધવા માટે 2 ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયો
- રણોત્સવમાં છેલ્લા 2 વર્ષમાં 6.44 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી
ગાંધીનગર: ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ ખાતે રણ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે રણ મહોત્સવમાં ટેન્ટ બાંધવા માટે 2 ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દીધો છે. જેમાં આજે ગુરુવારે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીમાં સામે આવ્યું હતું કે, ટેન્ટ બાંધવા માટે 2 ખાનગી કંપની લલ્લુજી એન્ડ સન્સ અને પ્રવેગ કંપની પાસેથી સરકારને રોયલ્ટી પેટે છેલ્લા 2 વર્ષમાં માત્ર 675.63 લાખ જ રોયલ્ટી મળી છે. પ્રવેગ કોમ્યુનિકેશન પાસેથી સરકારને રોયલ્ટી પેટે માત્ર 148.36 લાખની જ રોયલ્ટી મળી હોવાની સરકારની લેખિત કબૂલાત જોવા મળી છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારે રાજ્યમાં ટુરિઝમની પ્રથમ પોલિસી જાહેર કરી
કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી
રણોત્સવમાં છેલ્લા 2 વર્ષમાં 6.44 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું વિધાનસભા પ્રશ્નોતરીમાં સામે આવ્યું છે. કોરોનાના કારણે વર્ષ 2020માં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2019માં 4.38 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, તેની સામે વર્ષ 2020માં ફક્ત 2.06 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. પ્રવાસીઓ થકી સરકારને રૂપિયા 3.55 કરોડની આવક થઈ હોવાનું પ્રશ્નોતરીમાં સામે આવ્યું છે. જ્યારે ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલ થકી વર્ષ 2019માં રૂપિયા 2.13 કરોડનું વેચાણ અને વર્ષ 2020માં ફક્ત રૂપિયા 51 લાખનું વેચાણ થયું છે.
આ પણ વાંચોઃ ગુજરાત પ્રવાસન પર કોરોનાનું ગ્રહણ, આશરે 600 કરોડનું નુકસાન
ગુજરાતના પ્રવાસન સ્થળને વિકસાવવા માટે કેન્દ્રની ઉદાસીનતા
રાજ્યની હેરીટેઝ સર્કિટ વડનગર, મોઢેરા અને પાટણ માટે વર્ષ 2019માં એકપણ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી નથી. વડનગર વડાપ્રધાન મોદીનું વતન છે, જેમાં વર્ષ 2018માં કેન્દ્રએ રૂપિયા 3493.30 લાખની સહાય ચૂકવાઈ હોવાનો સરકારે લેખિત જવાબ આપ્યો છે. ઉપરાંત રાજયમાં છેલ્લા બે વર્ષેમાં સ્વદેશ દર્શન યોજના અંતર્ગત બુદ્ધિસ્ટ સર્કિટ વિકાસ માટે ભારત સરકાર તરફથી રુપિયા 2866.80 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષેમાં રૂપિયા 1200.46 લાખની ગ્રાન્ટ ફળવામાં આવી છે.