- જીવન આસ્થા હેલ્પલાઈને નવસારીના યુવકને આત્મહત્યા કરતો બચાવ્યો
- નવસારીના યુવકે કંટાળીને હેલ્પલાઈન પર ફોન કરી આત્મહત્યાની કરી હતી જાણ
- હેલ્પલાઈનના લોકોએ સતત કાઉન્સેલિંગ ચાલુ રાખી પોલીસની વાનને યુવક પાસે મોકલી હતી
- પત્ની સાથે ઘરકંકાશના કારણે કંટાળી તેને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું
- ગાંધીનગર એસપી ઓફિસમાં જીવન આસ્થા હેલ્પલાઈન ચાલે છે
ગાંધીનગરઃ જીવનઆસ્થા હેલ્પલાઈન પર એક અજાણ્યા યુવકે ફોન કર્યો હતો, જેમાં તેની પત્ની સાથે ઘરકંકાશના લીધે કંટાળી તેને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. તેને આ ફોન રેલવે ટ્રેક પર ઉભા રહી આત્મહત્યા કરવાના ઈરાદે કર્યો હતો. કોલ કરનારા યુવકે રેલવે ટ્રેક પર હોવાનું જણાવતા હેલ્પલાઈને કાઉન્સિલિંગ કરી સતત ફોન ચાલુ રાખી PCR વાનને ત્યાં મોકલી તેને આત્મહત્યા કરતો અટકાવ્યો હતો. આ યુવક નવસારીનો હતો, જેને આત્મહત્યા કરતા રોકવામાં ગાંધીનગર જીવન આસ્થા હેલ્પલાઈન સફળ રહી હતી.
![લ્પલાઈનના લોકોએ સતત કાઉન્સેલિંગ ચાલુ રાખી પોલીસની વાનને યુવક પાસે મોકલી હતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12175415_helpline_7210015.jpg)
તણાવગ્રસ્ત લોકો માટે ગાંધીનગર એસપી ઓફિસમાં સુરક્ષા સેતુ અંતર્ગત જીવન આસ્થા હેલ્પલાઈન ચલાવવામાં આવે છે. એસપી ઓફિસમાં સાત કાઉન્સીલર અને એક સિનિયર કાઉન્સીલર બેસાડવામાં આવ્યા છે. જેઓ લોકોનું કાઉન્સેલીંગ કરી તેમને પોઝિટિવિટી તરફ વાળી રહ્યા છે. જીવન આસ્થા દ્વારા ચોવીસ કલાક લોકોને હેલ્પલાઈનથી મદદ પહોંચાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો- SP ઓફિસમાં કાઉન્સિલિંગ માટે ચાલતી જીવન આસ્થા હેલ્પલાઈનમાં તણાવગ્રસ્ત લોકોના 4 ગણા ફોન કોલ વધ્યા
PCR વાને સ્થળ પર પહોંચી આત્મહત્યા કરવા આવેલા વ્યક્તિને શોધી રેસ્ક્યુ કરી ઘરે પરત મોકલ્યો
જીવન આસ્થા હેલ્પલાઈનમાંથી પૂરા ગુજરાતમાંથી લોકોના ફોન કાઉન્સેલીંગ માટે આવતા હોય છે. ઘણા એવા લોકો છે કે, જેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા હોય તેવા સમયે પણ આ હેલ્પલાઈનને ફોન કરતા હોય છે. નવસારીથી આવેલા આ ફોન બાદ જીવન આસ્થા હેલ્પલાઈન ફોન પર સતત કાઉન્સિલીંગ ચાલુ રાખ્યું હતું. આ સમયે જ પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા નવસારી પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી જ તાત્કાલિક નવસારીથી PCR વાનને સ્થળ પર મોકલવામાં આવી હતી. PCR વાનમાં બેઠેલા પોલીસના જવાનોએ આત્મહત્યા કરવા આવેલા યુવકને શોધી કાઢ્યો હતો અને તેનું મૃત્યુ કરી તેને સમજાવી કાઉન્સેલીંગ કરી ઘરે પરત મોકલવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો- બારડોલી 181 અભયમ ટીમે યુવતીને મોતના મુખમાથી બચાવી
જિલ્લા પોલીસ વડાએ આ ઉમદા કામગીરીને બિરદાવી
જીવન આસ્થા હેલ્પલાઈનના આ ઉત્તમ કાર્યથી એક યુવકનો જીવ બચ્યો હતો. હેલ્પલાઈનના કાઉન્સીલરની સતર્કતા અને પોલીસ કન્ટ્રોલ રૂમ અને નવસારી પોલીસની કામગીરીએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લાઈઝન અધિકારી પી. સી. વલેરાએ જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી આર્થિક તેમ જ કૌટુંબિક સમસ્યાઓમાં મદદ માગતા અને આત્મહત્યાના વિચારો આવતા લોકોના કોલ્સની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે. અમારી હેલ્પલાઈન દ્વારા દરેક સ્કૂલમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. પોલીસ અધિક્ષક મયૂર ચાવડા દ્વારા હેલ્પલાઈનના કાઉન્સીલર અને પોલીસ કન્ટ્રોલ રૂમની ઉમદા કામગીરી બિરદાવવામાં આવી હતી.