- ચોમાસા બાદ યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
- ગાંધીનગર મ્યુ.કોર્પોરેશન અને અન્ય ખાલી પડેલી બેઠકો પર યોજાશે બેઠક
- અગાઉ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ચૂંટણી કરી હતી મોકૂફ
ગાંધીનગર : કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ મહિનામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની એટલે કે, તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજવાનું આયોજન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ બીજી લહેરમાં જે રીતે સંક્રમણ વધ્યું હતું અને પરિસ્થિતિ ખરાબ થઈ હતી તેને ધ્યાનમાં લઈને ચુંટણી મોકુફ રાખવાનો નિર્ણય આયોગ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ફરીથી ચૂંટણી યોજાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ત્રીજી લહેરના કારણે અને ચોમાસાની સીઝનને લઈને રાજ્ય ચૂંટણી આયોગે હવે ચોમાસા સિઝનની બાદ જ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો- ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રહે તેવી સંભાવના, સાંજ સુધીમાં થઈ શકે છે જાહેરાત
ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં હતું આયોજન
કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘણી ઓછી થઈ છે અને રાજ્યમાં કોરોના સંક્રમણનો આંક પણ હવે કાબૂમાં છે, ત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીઓ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવાનું આયોજન હતું. પરંતુ ચોમાસાની સિઝનમાં જે રીતે તાવ શરદી-ઉધરસના કેસો સતાવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આયોજનમાં ફરીથી સુધારો કરીને હવે ચોમાસા બાદ ચૂંટણી યોજવાની જાહેરાત આયોગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો- ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી સપ્ટેમ્બર માસમાં યોજાય તેવી શક્યતા
હાઇકોર્ટના ચુકાદાને ટાંકવામાં આવ્યા
ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ચોમાસાની સિઝન બાદ યોજવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ગોવા જિલ્લા પરિષદની ચૂંટણી અને આંધ્ર પ્રદેશના રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અને સુપ્રિમ કોર્ટ દ્વારા જે અવલોકન કરવામાં આવ્યું છે, તે અહિં ટાંકવામાં આવ્યું છે. જેમાં દેશની કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ જોતાં રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી મોકૂફ રાખવાના આદેશમાં નામદાર કોર્ટ હસ્તક્ષેપ ન કરતા રાજ્ય ચૂંટણી આયોગના આદેશને યોગ્ય ઠરાવ્યો હતો. જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અપીલ સિવિલ નંબર 5756 2005 ના સીમાચિહ્નરૂપ ચુકાદામાં જણાવ્યા મુજબ કુદરતી આપત્તિ જેવા કે, ભૂકંપ અથવા માનવ સર્જીત આપતિ જેવી કે, કોમી રમખાણ વગેરે અપવાદરૂપ સંજોગોમાં પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણી મુલતવી રાખી શકે છે. આમ, આ તમામ કારણો આપીને ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચોમાસાની સીઝન પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.