ગાંધીનગર: ગાંધીનગર કલોલ કોર્ટ દ્વારા શનિવારે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષ 2016માં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સામે થયેલા કેસ બાબતે કોર્ટ દ્વારા દેવજી ફતેપરાને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાથે જ રુપિયા 2.97 કરોડનો દંડ પણ ફટકાર્યો છે.
ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરા જમીન વેચાણનો કેસ દીધો હતો. આ મુદ્દે જમીનના વેચાણ બાદ જમીનનો દસ્તાવેજ થઈ શક્યો ન હતો, તો દેવજી ફતેપરા એ જમીનના દસ્તાવેજ થતો ન હોવાના કારણે તેમના મિત્રને તમામ પૈસા ચેકથી રીટર્ન કર્યા હતા. જે ચેક તેમના મિત્રએ બેંકમાં ભરતાની સાથે જ ચેક રિટર્ન થયો હતો. જેમાં ફતેપુરાના મિત્ર પ્રભાતસિંહ ઠાકોરે વર્ષ 2016માં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના ભાગરૂપે શનિવારે કલોલ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો હતો. જેમાં ભાજપના પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાને બે વર્ષની જેલની કેદ અને 2 કરોડ 97 લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
સમગ્ર કેસની વાત કરવામાં આવે તો, ચેક રીટર્ન કેસમાં કલોલ કોર્ટે દેવજી ફતેપુરાને સજા ફટકારી છે. ફતેપુરાએ પોતાના મિત્રની રાજકોટ સ્થિત ખેતીની જમીન વેચાણ આપવાનું નકકી કરી કુલ રૂપિયા 1 કરોડ 48 લાખ 50 હજાર મેળવ્યા હતા. પરંતુ જમીનનો દસ્તાવેજ ન થઈ શકે તેમ હોવાથી ફતેપુરાએ પ્રભાતસિંહ ઠાકોરને રકમ પરત કરવા ચેક આપ્યો હતો. આ ચેક રિટર્ન થવાથી ભોગ બનનારા પ્રભાતસિંહ ઠાકોરે વર્ષ 2016માં ફરિયાદ કરી હતી. 2016માં કરેલી ફરિયાદને આધારે કલોલ કોર્ટે શનિવારે ચુકાદો કરી ફતેપુરાને સજા ફટકારી છે.