- રાજ્યનાં પોલીસ આંદોલનને મોટી બ્રેક, સરકારે બનાવી 5 સભ્યોની કમિટી
- કમિટીનાં એહવાલ બાદ જ હવે તમામ મુદ્દાઓનું નિરાકરણ થશે
- હવે કોઈ પણ પોલીસકર્મીઓ કે પરિવારજનો નહિ કરી શકે વિરોધ
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી પોલીસ કર્મચારીઓના પરિવારજનો દ્વારા ગ્રેડ-પે બાબત સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લઇને આંદોલન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે છેલ્લા બે દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પરિવારજનો દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે રાજ્યનાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરી હતી કે પોલીસ કર્મચારીઓની માંગણીઓ અને પ્રશ્નોને ધ્યાનમાં લઈને એક ખાસ કમિટીની રચનાં કરવામાં આવી છે. ત્યારે આ કમિટીનાં રિપોર્ટ બાદ તમામ પ્રશ્નોનાં નિરાકરણ કરવામાં આવશે.
કમિટીમાં કોણ કોણ રહેશે સભ્ય
DGP આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદને સંબોધતા પાંચ અધિકારીઓની એક ખાસ કમિટીની રચના કરી હોવાની જાહેરાત કરી હતી. ત્યારે આ કમિટીમાં પોલીસ કર્મચારીઓના પરિવારજનો અથવા તો આંદોલનકારીઓને જગ્યા આપવામાં આવી નથી અને તેમને સભ્ય બનાવવાની કોઈ જરૂરત નહીં હોવાનું નિવેદન પણ કર્યું હતું. ત્યારે સમિતિમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક વહીવટી વિભાગનાં IPS અધિકારી બ્રજેશ કુમાર ઝા ની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યાર બાદ નાણાં વિભાગના સચિવ, સામાન્ય વહીવટી વિભાગનાં નાયબ, સચિવગૃહ વિભાગનાં નાયબ સચિવ અને BJP ઓફિસનાં મુખ્ય નાણા વિભાગનાં અધિકારીની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
2 મહિનામાં રજૂ કરવામાં આવશે રિપોર્ટ
રાજ્યનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવ પ્રમાણે રાજ્ય સરકારે જે કમિટીની રચના કરી છે. તેમાં તમામ પોલીસ કર્મચારીઓના મુદ્દાઓને ધ્યાનમાં લઇને ખાસ કમિટી માટે મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ બે મહિનાની અંદર રાજ્ય સરકારમાં જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને કમિટી દ્વારા લેખિત અરજી અથવા તો પોલીસ અધિકારીમાં ફોરમને ધ્યાનમાં લઈને કરવામાં આવશે.
હવે સોસીયલ મીડિયામાં વિરોધ થશે તો થશે કાર્યવાહી
રાજ્યનાં DGP આશિષ ભાટિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પોલીસ કર્મચારી કે પરિવારજનો કોઈપણ આંદોલન કરશે અથવા તો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ચાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે જે પણ કર્મચારીઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા હતા અને લોકોને ઉશ્કેરણી કરી રહ્યા હતા તેવા પોલીસ કર્મચારીઓ અને આગેવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે.
આ પણ વાંચો: 3 અઠવાડિયા પછી મન્નતના રાજકુમાર આર્યન ખાનને મળ્યા શરતી જામીન
આ પણ વાંચો: ફાયર સેફ્ટી મામલે છેલ્લા 4 મહિનામાં સઘન કાર્યવાહી કરવામાં આવી, હાઇકોર્ટમાં રાજ્ય સરકારનો દાવો