- રાજ્ય સરકાર જાહેર કરી નવી સોલાર પોલિસી
- નવી પોલિસીથી સામાન્ય લોકોને થશે આર્થિક ફાયદો
- પોતાની રીતે વીજળી ઉતપન્ન કરીને વપરાશ કરી શકાશે અને વધારાની વીજળી સરકારને વેચી શકશે
- સમગ્ર દેશમાં ફક્ત ગુજરાતમાં સામાન્ય વ્યક્તિ પણ વીજ ઉત્પાદક બની શકશે
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત સોલાર પોલિસી 2021ની જાહેરાત કરી હતી. આ પોલિસી પ્રમાણે હવે ગુજરાત રાજ્યમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ ખાનગી સંસ્થા અથવા તો કોઈ પણ ટ્રસ્ટ વીજળીનું ઉત્પાદન કરી શકશે અને વધારાની વીજળી રાજ્ય સરકારને વેચી પણ શકશે. ત્યારે આ અંગે ઉર્જાપ્રધાન સૌરભ પટેલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
નવી સોલર પોલિસી 5 વર્ષ સુધી સુધી કાર્યરત રહેશે
સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેકશન્ડ લોડ અથવા કોન્ટ્રાક્ટ ડિમાન્ડના 50 ટકાની હાલની લિમિટ દૂર કરવામાં આવી છે. ગ્રાહકો તેમની જગ્યા પર સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે. જે તે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે. વીજ કંપનીઓને PPA માટે આપવાની સિક્યોરિટી ડિપોઝિટની રકમ પ્રતિ મેગાવોટ રૂપિયા 25 લાખથી ઘટાડીને રૂપિયા 5 લાખ પ્રતિ મેગાવોટ કરવામાં આવી છે. નવી સોલર પાવર પોલિસી પાંચ વર્ષ સુધી એટલે કે 31 ડીસેમ્બર 2025 સુધી કાર્યરત રહેશે. આ નીતિ હેઠળ સ્થાપિત સોલાર પ્રોજેક્ટના લાભો 25 વર્ષના પ્રોજેક્ટના સમયગાળા માટે મેળવી શકાશે. એકથી વધારે ગ્રાહકોનું જૂથ પોતાના કેપ્ટન વપરાશ માટે સામૂહિક મૂડીરોકાણથી સોલાર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે.
ગુજરાતમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી પોલિસી પ્રમાણે ગુજરાતમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત સામાન્ય વ્યક્તિઓ પણ વીજ ઉત્પાદન કરી શકશે અને તેઓ જેટલો વીજળીનો વપરાશ કરશે તેટલું લાઈટ બિલ પણ ઓછું આવશે, જેથી આર્થિક ફાયદો થશે અને સૌર ઉર્જાથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ પણ કરી શકશે. આ સાથે જ વધારાની વીજળી તેઓ રાજ્ય સરકારને પણ વેચાણ રૂપે આપી શકશે.