- કોરોના સંક્રમણ પર રોક રાખવા કરફ્યૂ વધારાયું
- ગૃહવિભાગ દ્વારા સત્તાવાર કરાઇ જાહેરાત
- રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં કરફ્યૂ લાગુ
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના હવે કાબૂમાં છે, ત્યારે કોરોના સંક્રમણ હજુ પણ વધુ કાબુમાં આવે અને તમામ જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાય નહીં તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ગૃહવિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતના આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં રાત્રિના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલી રહેશે.
કઈ જગ્યાએ કરફ્યૂ લાગુ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કરફ્યૂ લાગુ રહેશે.
પહેલા કોર કમિટીમાં લેવાતો હતો નિર્ણય
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી હતા, ત્યારે કોર કમિટી દ્વારા વધુ ચર્ચા કરીને રાત્રિ કરફ્યૂ બાબતે ચર્ચાઓ કરવામાં આવતી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સત્તાવાર રીતે જાહેરાત કરતા હતા. પરંતુ હવે મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે અને હવે નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે, પરંતુ નવા મંત્રીમંડળની રચના નથી થઈ, ત્યારે ગૃહવિભાગે કરફ્યૂ વધારવાનો નિર્ણય સત્તાવાર રીતે કર્યો છે.
8 મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂ અમલી રહેશે
વર્તમાન સમયમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા નથી, ત્યારે મહાનગરપાલિકામાં કેસને કાબુમાં રાખવા માટે રાત્રે કરફ્યૂ રાજ્ય સરકાર દ્વારા અમલી રાખવામાં આવ્યું છે. આમ 25 સપ્ટેમ્બર સુધી રાતના 11થી સવારના 6 વાગ્યા સુધી 8 મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂ અમલી રહેશે.