- જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
- ગાંધીનગર કલેક્ટર કચેરીએ આવેલા ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સનું કર્યું ઉલ્લંઘન
- આગામી સમયમાં લોકોને સારી સુવિધા મળે તેવા પ્રયત્નો કરાશેઃ ભાજપ દાવેદાર
ગાંધીનગરઃ શુક્રવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગાંધીનગર કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. આ સાથે જ તેમના ઉમેદવારોની સાથે કાર્યકર્તાઓ પણ હતા, જેમાં કલેક્ટર કચેરીની બહાર તથા અધિકારીની કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં ઉડ્યા હતા. કોઈ જ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું ન હતું.
ભાજપની જીત થવાનો ઉમેદવારોને વિશ્વાસ
વાસદના ભાજપના દાવેદાર ભરત ઠાકોરે ઈટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ અને ગુજરાતમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કરેલા કાર્યો અને અમે લોકો સુધી પહોંચાડીશું. આગામી સમયમાં લોકોને સારી સુવિધા મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આમ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની જીત થવાનો વિશ્વાસ ઉમેદવાર ઠાકોરે જણાવ્યું હતું.
લોકોની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરીશુંઃ કોંગ્રેસ
જ્યારે કોંગ્રેસના વાસદ બેઠકના ઉમેદવાર ચંદ્રિકા વાઘેલાએ ઈટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે અંતિમ દિવસે તેઓ ફોર્મ ભરવા આવ્યા છે. આગામી સમયમાં તેઓ લોકોની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વાસદ બેઠક હેઠળ આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.