ગાંધીનગર : કેબિનેટ બેઠક બાદ રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં રાજ્યના ખેડૂતો માટે અને કૃષિ લક્ષી ચર્ચા કરવામાં આવી છે. જેમાં રાજ્યના ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
આ ઉપરાંત ડાંગર મકાઇ અને બાજરીની તારીખ 16 ઓક્ટોબરથી તથા મગ અને સોયાબીનની ખરીદી બીજી નવેમ્બરથી કરવામાં આવશે તેવું નિવેદન પણ રાજ્યના અન્ન નાગરિક પુરવઠાપ્રધાન જયેશ રાદડીયાએ આપ્યું હતું.
કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં ખેતપેદાશોના ટેકાના ભાવે ખરીદી કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યના ખેડૂતોને ખેતપેદાશોના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે મુજબ ખરીફ પાકોમાં મગફળીની ખરીદી માટે 13.66 મેટ્રિક ટન ખરીદવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂપિયે 1868ના ભાવે, મકાઈ 1850ના ભાવે, બાજરી 2150 રૂપિયા, મગ 7196, અડદ 6000 અને સોયાબીન 3880 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે. આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ તૈયાર કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે ખરીદી પ્રક્રિયા બાબતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાપ્રધાન જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ડાંગર માટે 92 ખરીદ કેન્દ્ર, મકાઈ માટે 61, બાજરી માટે 57, અડદ માટે 71, હેન્સ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે 60 કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે ડાંગર મકાઇ અને બાજરી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવી છે. જે 29 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઉપરાંત ખેડૂતો માર્કેટીંગ યાર્ડના સેન્ટરો પરથી નોંધણી કરી શકશે. જ્યારે મગ અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા 12 ઓકટોબરથી શરૂ થશે જે 31 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. જ્યારે તેની ખરીદીની પ્રક્રિયા બીજી નવેમ્બરથી 30 જાન્યુઆરી 2021 સુધી ચાલશે.