- ગાંધીનગર હોસ્પીટલની બેદરકારી સામે આવી
- તંત્રની ખૂલી પોલ
- એક જ એમ્બ્યુલન્સમાં 5 કોરોના દર્દીઓના મૃતદેહ સ્મશાન મોકલાયા
- 5 મૃતદેહોમાં એક મૃતદેહ મહિલાનો હતો
- મૃત્યુ પામેલા દર્દીઓના મોતનો મલાજો પણ ન જળવાયો
ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે જ્યારે ગુજરાતમાં પરિસ્થિતિ બેકાબૂ છે ત્યારે હૉસ્પીટલોમાં કોરોના દર્દીઓને દાખલ કરવાથી લઇને તેમના મૃત્યુ બાદની કામગીરીઓ સુધી અવારનવાર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવી જ એક ચકચારી ઘટના ગાંધીનગરમાં જોવા મળી હતી જેમાં જેમ ગાડીઓમાં પશુઓને ઠાંસીઠાંસીને ભરવામાં આવતા હોય છે તેમ એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા 4થી 5 મૃતદેહો ઉપરાછાપરી ભરી તેમને સ્મશાનગૃહ પહોંચાડવામાં આવ્યા હતા.
હોસ્પીટલની બેદરકારી
એક કોરોના દર્દી જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમના સ્વજનોને કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે ફરજિયાત PPE કીટ પહેરીને જ તેની અંતિમક્રિયા કરવામાં આવે છે. દેશની તમામ મોટી મેડીકલ સંસ્થાઓ અને ડૉક્ટરો દ્વારા વારંવાર આ માટે સૂચનાઓ આપવામાં આવી છે તેમજ સરકારી ગાઇડલાઇન્સમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં હૉસ્પીટલો દ્વારા જ આવી ઘોર બેદરકારી આચરવામાં આવે તે ખૂબ જ શરમજનક વાત છે. શાકવાળા, કરિયાણાવાળા સામાન્ય માણસોને કોરોનાના સુપર સ્પ્રેડર કહીને વખોડવામાં આવે છે પરંતુ જો હૉસ્પીટલો દ્વારા જ આવા કાંડ બહાર આવતા હોય તેને શું કહીશું?
ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા અંતિમધામની છે તસવીર
સરકારી ચોપડે નોંધાતા મૃત્યુના આંકડાની સામે સ્મશાનગૃહમાં કોવિડ પ્રોટોકોલથી કરાયેલા અંતિમ સંસ્કારના આંકડામાં મસમોટો તફાવત જોવા મળ્યો હતો. જેનાથી સ્થાનિક તંત્રએ મોતના આંકડા છુપાવ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ તસવીર ગાંધીનગરના સેક્ટર 30 ખાતે આવેલા અંતિમધામની છે. ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદથી કોરોના અંગેની પરિસ્થિતી સ્ફોટક છે તેમાં કોઇ બેમત નથી. હૉસ્પીટલો જેટલી નવા દર્દીઓથી ઉભરાય છે તેટલું જ લાંબુ વેઇટિંગ અંતિમધામોમાં પણ જોવા મળી રહ્યું છે. સિવીલ હોસ્પીટલોમાં પૂરતો સ્ટાફ તેમજ બેડની સુવિધાઓ અંગે મોટા મોટા દાવા કરતું તંત્ર એ ભૂલી જાય છે કે મૃત્યુ પામેલો કોરોના દર્દી પણ છેવટે તો એક માણસ જ હતો.
સ્મશાનગૃહોમાં લાંબું વેઇટિંગ
અંતિમધામોમાં 1 મૃતદેહના અગ્નિ સંસ્કાર પૂર્ણ થાય પછી બીજા મૃતદેહોનો નંબર લાગે ત્યારે સહેજે 1 થી દોઢ કલાક જેટલો સમય વીતી જતો હોય છે. મોટાભાગના સ્મશાનગૃહોમાં CNG ભઠ્ઠીઓ પણ માંડ એક-બે જ હોય છે. ઉપરાંત શબવાહિનીઓમાં એક વખત મૃતદેહ સ્મશાનમાં પહોંચી જાય તેના પછી સંક્રમણ ન ફેલાય તે માટે તેને સેનિટાઝેશન માટે પણ મોકલવામાં આવે છે. જ્યાંથી પાછા ફરતા 3-4 કલાકનો વધુ સમય લાગે છે. ત્યારે આ દિશામાં પણ સરકારે યોગ્ય પગલાં લેવા જોઇએ તેવી લોકો માગ ઉઠાવી રહ્યા છે.
ક્યાં ગઇ કોર્પોરેશનની કરોડો રૂપિયાની ગ્રાન્ટ?
રાજ્ય સરકાર જ્યારે 4 હાથે કરોડોની ગ્રાંટ મહાનગરપાલિકાના વિકાસ માટે ફાળવે છે ત્યારે તે હૉસ્પીટલોના બેડ સિવાય અન્ય જગ્યાઓએ પણ ખર્ચાય તે જરુરી છે. સરકારી હૉસ્પીટલોને વધુ ને વધુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેમજ સ્મશાનગૃહોમાં પણ અંતિમ વિધિ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તે અત્યંત મહત્વનું છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ
સમગ્ર ઘટનાને લઇને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તત્કાળ તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે પ્રોટોકોલ પ્રમાણે કામગીરી થશે. આ ઘટના મારી જાણમાં નથી.
ગુજરાતીઓ, હવે તો જાગો!
આ તસવીરમાં સ્પષ્ટપણે કોરોનાનું ભયાનક સ્વરૂપ જોઇ શકાય છે. જેથી જાહેર જનતાએ પણ તમામ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરી જાગૃત થવું જોઇએ. ફરજિયાત માસ્ક પહેરવું, ડિસ્ટન્સ જાળવવું, કામ વગર બહાર ન નીકળવું, ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવા જેવી અનેક સૂચનાઓને અવગણીને જે સ્થિતિનું નિર્માણ થયું છે તે ફક્ત આપણી પેઢી જ નહી, આપણી આવનારી પેઢીને પણ નુકસાન પહોંચાડી શકે તેવી છે.