ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1161 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા વધુ 9 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,58,635 થયો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી શનિવારે 1270 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,40,419 દર્દીઓએ કોરોનાને માત આપી છે, ત્યારે ગુજરાતનો રિકવરી રેટ 88.52 ટકા થયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિડ-19ના કેસની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 3629 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે, જ્યારે હાલની પરિસ્થિતિ મુજબ 5,49,479 વ્યક્તિઓને કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે. જે પૈકી 5,49,119 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે. રાજ્યમાં કુલ 1,20,419 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 14,587 છે અને 79 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં શનિવારે કુલ 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 811.48 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે, રાજયમાં અત્યાર સુધીમાં કુલ 52,22,288 ટેસ્ટ કરવામાં આવ્યા છે.