- લગ્ન પ્રસંગમાં ફકત 100 લોકો જ રહી શકશે હાજર
- અંતિમવિધિમાં 50 લોકો જ જોડાઇ શકશે
- કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે કર્યો નિર્ણય
- અનલોક-4માં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આધીન આપી હતી 200 લોકોની મંજૂરી
ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. ત્યારે સરકારે હવે ફરીથી લગ્ન સમારોહ અને અંતિમ વિધિમાં હાજર રહેનારા લોકોની સંખ્યામાં સુધારો વધારો કર્યો છે. જેમાં હવે લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓ અને અંતિમવિધિમાં 50 વ્યક્તિઓની જ મર્યાદા રાખવામાં આવી છે.
સરકારે બદલવો પડ્યો નિર્ણય
રાજ્ય સરકારે અનલોક-4માં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સને આધારે સામાજિક અને ધાર્મિક તથા લગ્નના પ્રસંગમાં કેપેસિટીના 50 ટકા અને વધુમાં વધુ 200ની સંખ્યા માર્યાદિત કરી હતી, પણ દિવાળી બાદ જે રીતે કોરોના સંક્રમણ વધ્યું છે. તેને ધ્યાનમાં લઈને સોમવારે મુખ્યપ્રધાનના નિવાસસ્થાન ખાતે મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે નિર્ણય બદલવો પડ્યો હતો અને આખરે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ 100 લોકો અને અંતિમ ક્રિયામાં 50 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. તેવા નિર્ણય લેવાયો હતો.
રાત્રિ કરફ્યૂ ધરાવતા શહેરોમાં રાત્રે લગ્ન કરવા પર પણ પ્રતિબંધ
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં રાજ્ય સરકારે આગામી સૂચના ન મળે ત્યાં સુધી રાતના 9 કલાકથી સવારના 6 કલાક સુધીનું કરફ્યૂ જાહેર કર્યો છે. ત્યારે આ 4 શહેરમાં રાત્રિ લગ્ન પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આમ રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કરફ્યૂના સમય દરમિયાન લગ્ન, અંતિમસંસ્કાર કે અન્ય પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. જેનો અમલ મંગળવારથી કરવામાં આવશે.
હાઈ પાવર કમિટીમાં લેવામાં આવ્યો નિર્ણય
જે દિવસથી ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારથી જ રાજ્ય સરકારે હાઈપાવર કમિટી બેઠકની શરૂઆત કરી હતી અને હાઈપાવર બેઠકમાં મહત્ત્વના મુદ્દા પર ચર્ચા માટે રોજ સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવે છે આજે લગ્ન સમારોહ અને અંતિમ વિધિના કાર્યક્રમમાં હાજર રહેતા વ્યક્તિઓનો નિર્ણય પણ હાઈ પાવર કમિટીની બેઠકમાં જ કરવામાં આવ્યો છે. જ્યારે તમામ નિર્ણયો મંગળવારથી સમગ્ર રાજ્યમાં લાગૂ થશે.