- સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા દલિત શિક્ષકનો કેસ ચર્ચામાં
- શિક્ષકે વર્ષ 2019માં કરી હતી ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
- 2 વર્ષ સુધી પોલીસે કઈ કરી હતી કાર્યવાહી, સરકારે માંગી માહિતી
ગાંધીનગર : સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નિનામા ગામ ખાતે (Dalit Teacher Case) શિક્ષક તરીકે ફરજ બજાવતા કનૈયાલાલ બારૈયાને ગામમાં દલિત (Castism In Gujarat) હોવાને કારણે રહેઠાણ માટે મકાન ન મળતા, તેમણે 2019થી લઈને અનેક વખત પૂર્વ રૂપાણી સરકાર સમક્ષ બદલીની રજૂઆત કરી હતી, પરંતુ વારંવાર રજૂઆત છતા કોઈ નિર્ણય લેવામાં ન આવતા નવ નિયુક્ત કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારને ફોન કરીને શિક્ષક દ્વારા આ તમામ બાબતે જાણ કરતા તાત્કાલિક ધોરણે તેમની બદલી કરવામાં આવી હતી. આમ, આ શિક્ષકને બદલી માટે 2.5 વર્ષ રાહ જોવી પડી હતી.
શું હતી ફરિયાદ ?
રાજ્યના સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં 14 ઓગસ્ટના રોજ કનૈયાલાલ બારૈયાએ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પોતે જાતે દલિત હોવાના કારણે કોઈ ભાડે મકાન આપતા ન હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ કારણે તેમને મકાન ન મળતા રોજ ઘરેથી શાળાનું અંતર 75 કિલોમીટર થતું હતું, જેથી તેઓને પ્રતિદિવસ 150 કિલોમીટરની મુસાફરી કરવાનો વારો આવ્યો હતો.
કચ્છ પ્રવાસે ફરિયાદીનો ફોન આવ્યો
કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ કચ્છ પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે ફરિયાદી કનૈયાલાલનો ફોન તેમના પર આવ્યો હતો અને તેમણે સમગ્ર ઘટના વિશે માહિતગાર કર્યા હતા, ત્યારબાદ તેમનો નંબર સેવ કરીને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે આવીને અધિકારીઓને આ કેસ બાબતની તપાસ કરવાની સૂચના આપી હતી અને શિક્ષણ વિભાગને જે તે બાબતે ઘટતું કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અંતે આ મામલો વધુ ઉગ્ર બનતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તેમની બદલી કરવામાં આવી છે.
અગાઉની સરકારમાં કરી હતી અનેક રજૂઆતો
કનૈયાલાલ જે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તે શાળા સુરેન્દ્રનગર શિક્ષણ અધિકારીના તાબા હેઠળ આવે છે, ત્યારે કનૈયાલાલે શિક્ષણ અધિકારી, કલેક્ટર, રાજ્ય શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાય વિભાગમાં પણ જૂની સરકાર દરમિયાન રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો નિવેડો ન આવતા છેલ્લા બે વર્ષથી તેઓને રોજના 150 કિલોમીટર મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. હાલ રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારના સામાજિક ન્યાય વિભાગ પ્રધાન અને અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમારના કચ્છ પ્રવાસ આવતા કનૈયાલાલે ફોન કરીને ફરિયાદ કરી હતી અને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે ગણતરીના દિવસોમાં જ દલિત શિક્ષકને પડતી તકલીફ દૂર કરી છે.
આ પણ વાંચો: