ગાંધીનગર: ગાંધીના ગુજરાતમાં ગાંધીના હત્યારા તરીકે ગોડસેનું નામ પ્રખ્યાત છે અને લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે વલસાડની એક ખાનગી શાળામાં વકૃત્વ સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓને ગોડસે માય હિરો (Godse my hero) વિષય પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાબત રાજ્ય સરકાર સમક્ષ પહોંચતા કેબિનેટ બેઠક શરૂ થાય તે પહેલાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ તપાસના આદેશ આપ્યા હતા. કેબિનેટ બેઠકમાં ચર્ચા (Godse controversy in Gujarat cabinet) થયા બાદ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.
વક્તૃત્વ સ્પર્ધામાં પૂછાયો હતો સવાલ
વલસાડની એક ખાનગી શાળામાં યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા (Competition on the subject of Godse) રાજ્યમાં અત્યારે વિવાદમાં આવી છે, ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ માટે મારો આદર્શ નથુરામ ગોડસે વિષય રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે. ગોડસે ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી છે, ત્યારે આ બાબતે સવાલ પૂછાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો અને રાજ્ય સરકારે પણ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા હતા.
રમત-ગમત અધિકારીને કરાયા સસ્પેન્ડ
સમગ્ર વિવાદ રાજ્ય સરકાર સામે આવતા વલસાડ જિલ્લા રમત-ગમત અધિકારી નીતાબેન ગવલીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની અગાઉથી જ જાહેરાત કરી હતી, ત્યારે સસ્પેન્ડ કર્યા બાદ વધુ તપાસ પણ રાજ્ય સરકાર દ્વારા હાથમાં ધરવામાં આવશે, તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાશે તેવી પણ ખાતરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.