ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આજે બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ પ્રધાનોને આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રાજ્ય સરકારે તમામ પ્રધાનોને આયુર્વેદિક દવાના ડબ્બાનું વિતરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનોમાં બે અથવા તો ત્રણ પ્રધાનોને છોડીને તમામની ઉંમર 50 વર્ષ કરતાં વધુ છે, ત્યારે આ તમામ પ્રધાનોનું ઈમ્યુનિટી પાવર વધે તે માટે આજની કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનોને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અનલોક-1 દરમિયાન રાજ્યમાં અને સૌથી વધારે અમદાવાદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. આ સાથે જ ગુજરાત સરકારે તમામ સરકારી ઓફિસો કાર્યરત કરી છે અને ગાંધીનગર સચિવાલય પણ શરૂ કરવામાં આવ્યું છે, તે દરમિયાન કોઈ પણ મુલાકાતીથી પ્રધાન સંક્રમિત ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે બુધવારે રાજ્યના તમામ પ્રધાનોની ઈમ્યુનિટી પાવર વધે તે માટે આયુર્વેદિક દવાનું કેબિનેટ બેઠક બાદ વિતરણ કરવામાં આવ્યું હતું.