ગાંધીનગરઃ કોરોના વાઇરસમાં તમામ પોલીસ કર્મચારીઓ પોતાના જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તેમનું મોરલ ડાઉન થાય તેવી કોઈ પણ અફવા ફેલાવતી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી કરવી તે યોગ્ય નથી તેમ શિવાનંદ ઝાએ કહ્યું હતું. પોલીસને ગુના દાખલ કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાથી પોલીસ કર્મીઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યા છે તેવી અફવાઓ બાબતે શિવાનંદ ઝાએ કહ્યું કે, અમારા તરફથી પોલીસને આવા કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યા નથી. એટલે આવી કોઈ અફવા ફેલાવવી કે તેવી પોસ્ટ મૂકીને પોલીસનું મોરલ ડાઉન કરવાનું કાર્ય બંધ કરવું જોઈએ.
શિવાનંદ ઝાએ પ્રત્રકારોને સંબોધન કરતા જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાઓ માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ દ્વારા માણસોની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની ગંભીર બાબતો પોલીસના ધ્યાને આવી હતી. જેના આધારે આવી સેવાઓ સાથે સંકળાયેલા વાહનો ઉપર પણ પોલીસે સતત વોચ રાખી છે.
રાજ્યમાં એમ્બ્યુલન્સ મારફતે માણસોની હેરાફેરી કરી આવશ્યક સેવાનો દુરુપયોગ કરતી 23 એમ્બ્યુલન્સ જપ્ત કરવામાં આવી છે. જે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ, સુરત અને રાજકોટ મહાનગરોના કોરોનાથી વધુ સંક્રમિત થયેલા વિસ્તારોમાં કરફયુનો કડક અમલ કરવામાં આવ્યો છે. તેમ છતાં કરફ્યુ ભંગ કરી કેટલાક વ્યક્તિઓ બિનજરૂરી ઘરની બહાર નીકળી રહ્યા છે. જેથી ડ્રોન અને સીસીટીવી ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ કરીને તેમની ઉપર સઘન વોચ રાખી રહી છે.
અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યુ ભંગ કરવા બદલ કુલ 213 ગુના નોંધી 239 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોરોના વોઇરસમાં પોલીસ કર્મીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેમને સરગવાનો પાવડર, વિટામીન સી ટેબલેટ, આયુર્વેદિક ઉકાળા, લીંબુ પાણી તથા છાશ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત પોલીસ કર્મચારીઓના પરિવારો જ્યાં રહે છે તે પોલીસ લાઈન તથા પોલીસના વાહનોમાં નિયમિત સેનિટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. મરકઝથી ગુજરાતમાં આવેલા જમાતીઓ 18 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના ભૂસાવલથી લોકડાઉનનો ભંગ કરી ગાંધીનગર ખાતે આવેલા જમાતીઓ માંથી વધુ એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તેને કવોરંટાઈન કરવા ઉપરાંત મેડિકલ ચેકઅપ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
સુરા જમાતના મરક્ઝથી ગુજરાતમાં લોકડાઉન ભંગ કરીને આવેલા વ્યક્તિઓ સામે અત્યાર સુધીમાં 9 ગુના નોંધવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ ફેલાવનાર પર સોશીયલ મીડીયા મોનીટરીંગ સેલ દ્વારા 18 એપ્રિલના રોજ 17 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 357 ગુનાઓ દાખલ કરી 685 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ દ્વારા ડ્રોનની મદદથી 18 એપ્રિલના રોજ 274 ગુનાઓ તથા સીસીટીવીની મદદથી 94 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ડ્રોનની મદદથી 6751 ગુનાઓ તેમજ સીસીટીવીની મદદથી 1206 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે જાહેરનામાના ભંગના 2259 અને હોમ કવોરન્ટાઈન ભંગના 1032 તથા અન્ય 492 ગુનાઓ મળી કુલ 3783 ગુનાઓ 19 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 4953 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને 2576 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.