મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરો- મોટા શહેરો સાથે નાના નગરો, ગામોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ દ્વારા સમ્યક વિકાસનો ધ્યેય રાખ્યો છે. આ હેતુસર મુખ્યપ્રધાને નાના નગરો તથા વિસ્તાર વિકાસ મંડળોના વિકાસ નકશા એટલે કે ડેવલપમેન્ટ પ્લાનને આખરી ઓપ આપીને તે વિસ્તારના ભવિષ્યના સુઆયોજિત વિકાસને કેન્દ્રસ્થાને રાખ્યો છે.
- બેચરાજી ગામના 8.78 ચો. કિ.મીના રેવન્યુ વિસ્તારનો સુઆયોજિત વિકાસ કરી પાર્કિંગ સહિત 09થી 90 મીટર સુધીના પહોળા રસ્તાથી યાત્રાધામને મળશે આગવી ઓળખ
- લીંબડીમાં 12થી 40 મીટરના રસ્તાઓ અને ભવિષ્યમાં ટી.પી. સ્કીમ દ્વારા વધુ સુઆયોજિત વિકાસ થશે
- નવસારી વિજલપોર તથા આસપાસના 15 ગામોની 71.37 ચોરસ કિ.મી વિસ્તાર માટેની નવસારી શહેરી વિકાસ સત્તામંડળની સૌ પ્રથમ વિકાસ યોજના મંજૂર
- હયાત માર્ગોના રિપેરિંગ, સૂચિત નવા માર્ગો અને સ્ટ્રીટલાઈટ સહિતની ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા મળશે
- બારડોલી શહેરી વિકાસ સત્તામંડળમાં આવેલા દરેક ગામોને રોડ કનેક્ટિવિટી આપવા વસ્તીનું આકલન કરી 18થી 30 મીટર પહોળા માર્ગો 60 મીટરના રિંગરોડના આયોજનને મુખ્યમંપ્રધાનની મંજૂરી
મુખ્યપ્રધાને રાજ્યમાં આવા 2 વિસ્તાર વિકાસ સત્તા મંડળો અને 2 શહેરી વિકાસ સત્તા મંડળોના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે.
આ સંદર્ભમાં મુખ્યપ્રધાને ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ બેચરાજી જેવા ગ્રામ્ય વિસ્તારને શહેરની ભૌતિક સુવિધાઓ આપીને તેની નજીકના માંડલ-બેચરાજી એસ.આઈ.આર. (સર) સમકક્ષ વિકાસની કેડી કંડારવાના આશયે બેચરાજીના પ્રથમ વિકાસ નકશાને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપેલી આ મંજૂરીને પરિણામે બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળ અંતર્ગત બેચરાજી ગામના અંદાજે 7.87 ચોરસ કિલોમીટર રેવન્યુ વિસ્તારનો વિકાસ થશે.
ખાસ કરીને બેચરાજી માતાના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓ, લાખો ભક્તોને પાર્કિંગથી લઇ દર્શન સુધી કોઈ તકલીફ ન પડે તેવા સુદ્રઢ આયોજનને ઓપ આપી કેટલાક સુધારા માટે જાહેર જનતાના વાંધા-સૂચનો મેળવવા પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવા સાથે વિકાસ નકશાને મંજૂરી અપાઇ છે. બેચરાજીની આ વિકાસ યોજનામાં રહેણાંક, વાણિજ્યક, ઔદ્યોગિક, જાહેર હેતુ, પાર્કિગ સહિત 09 મીટર, 12 મીટર, 18 મીટર, 24 મીટર, 36 મીટર તેમજ 90 મીટર પહોળા રસ્તાઓનું આયોજન સુચવેલું છે. જેનાથી આવતા વર્ષોમાં બેચરાજીની એક અલગ જ ઓળખ ઉભરી આવશે.
મુખ્યપ્રધાને લીંબડી વિસ્તાર વિકાસ સત્તામંડળના રિવાઇઝ્ડ પ્લાનને પણ મંજૂરી આપી છે. રાજાશાહી વખતના શહેર લીંબડીના આશરે 13.40 ચો.કિ.મી. વિસ્તાર માટે વિવિધ ઝોનીંગ સહિત ગામતળ બહાર આયોજિત વિસ્તારમાં ગ્રીડ પેટર્નમાં સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે. જેમાં 12 મીટરથી લઈ 40 મીટર સુધીના અલગ-અલગ પહોળાઈના રસ્તાઓ સુચિત કરેલા છે.
લીંબડી જેવા નાના શહેરમાં પણ ભવિષ્યમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ દ્વારા વધુ સુઆયોજીત વિકાસ કરવાના ઉદ્દેશથી, આ વિકાસ નકશામાં ડી.પી.ના કોઈ રીઝર્વેશન સુચવેલા નથી. આમ, સૌરાષ્ટ્ર તરફ જતા હાઇવે પરના શહેર લીંબડીના રીવાઇઝ્ડ ડેવલપમેન્ટ માટેના પ્રાથમિક જાહેરનામાને પ્રસિધ્ધ કરવા મુખ્યપ્રધાને મંજૂરી આપી છે.
મુખ્યપ્રધાને નવસારી અને વિજલપોર તેમજ આજુબાજુના 15 ગામો મળી 71.37 ચો.કિ.મી. વિસ્તાર માટે રચાયેલા નવસારી શહેરી વિકાસ સત્તામંડળ (NUDA)ની પ્રથમ વિકાસ યોજનાને પણ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ વિકાસ યોજનાથી NUDAમાં સમાવિષ્ટ તમામ ગામોમાં વિકાસની નવી તકો ઉભી થશે તથા સુઆયોજીત વિકાસના કારણે સમગ્ર શહેરી વિકાસના વિસ્તારની આગવી ઓળખ ઉભી થશે.
ખાસ કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટાઉન પ્લાનીંગ સ્કીમ બનાવવા ઉપર વધુ ભાર મુકતાં અને શહેરની આંતરમાળખાકીય સવલતો માટે ટી.પી. મારફતે જમીન મેળવવાનું જણાવતા, નવસારી ઓથોરીટીના ડેવલપમેન્ટ પ્લાનમાં એક પણ રિઝર્વેશન સુચવેલું નથી. આ વિકાસ યોજનામાં હયાત રસ્તાઓનું રિસર્ફેસીંગ, સુચિત નવા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ વગેરે સહિતની આંતરમાળખાકીય સવલતો આપવા રૂપિયા 655 કરોડનો ખર્ચ આગામી 10 વર્ષમાં થવાનો અંદાજ છે.
બારડોલી શહેર તથા આસપાસના 16 ગામોના કુલ 65.78 ચો.કિ.મી. વિસ્તાર જેમાં બારડોલી નગરપાલિકાનો 6.67 ચો.કિ.મી. તથા અન્ય લાગુ ગામોના વિસ્તાર માટે બારડોલી શહેરી વિકાસ સત્તામંડળ (BUDA)ની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ રચનાના અનુસંધાને BUDA દ્વારા 6 ડિસેમ્બર, 2019થી પ્રથમ ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન ટાઉન પ્લાનીંગ એક્ટની કલમ-13 હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાને વિજય રૂપાણીએ આ પ્લાન અંગે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરી, આ વિકાસ નક્શાને મંજૂરી આપતા સમગ્ર વિસ્તારના આયોજનને નવી દિશા પ્રદાન કરી છે.
મુખ્યમંત્રીએ BUDAમાં સમાવિષ્ટ દરેક ગામોને રોડ કનેક્ટિવિટી મળી રહે તે માટે જે તે ગામોની વસ્તીનું આકલન, હયાત ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધિઓ વગેરે અનુસાર 18 મીટરથી 30 મીટર પહોળાઇના વિવિધ રસ્તાઓ સહિત 60 મીટરના રિંગ રોડના આયોજનને મંજૂરી આપી છે. વિકાસ યોજનામાં સુચવાયેલા રસ્તા, વીજળી, પાણી સહિતના આંતરમાળખાકીય સવલતો તથા જાહેર સેવાઓને લગતા 10 વર્ષના કામોનો ખર્ચ રૂપિયા 425 કરોડ અંદાજવામાં આવ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં સુચિત વસ્તી આધારિત રહેણાંક, વાણિજ્યક, ઔદ્યોગિક, જાહેર હેતુ વગેરે ઝોનીંગ કરવા પણ મુખ્યપ્રધાને સૂચવ્યું છે.
મુખ્યપ્રધાને એક સાથે 4 સત્તામંડળોના વિકાસ નકશાને મંજૂરી આપી સુચવેલા સામાન્ય ફેરફારો માટે લોકોના વાંધા સૂચનો મંગાવતા પ્રાથમિક જાહેરનામાં પ્રસિદ્ધ કરવા મંજૂરી આપીને વિકાસન દિશામાં વધુ એક કદમ ભર્યું છે. મુખ્યપ્રધાન દ્વારા જે ઝડપથી મંજૂરી આપવામાં આવી છે, તેનાથી બમણી ઝડપે વિકાસ નકશા મુજબના વિકાસ કામો થાય તેવી સ્પષ્ટ સૂચનાઓ પણ અધિકારીઓને આપી છે.