- કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અને અનુમાનો સામે ગુજરાતની સજ્જતાની રૂપાણીએ સમીક્ષા કરી
- મ્યુનિસિપલ કમિશનર્સ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વિજય રૂપાણી અને કોર કમિટીનો સીધો સંવાદ
- કોરોનાના કેસો ઘટી રહ્યા છે પણ ગુજરાતે સંયમ દાખવીને સજાગ અને સાવધાન રહેવાનું છે : રૂપાણી
ગાંધીનગર : કોરોના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવના સામે રાજ્ય સરકારની સજ્જતાની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે ગુરુવારે વિસ્તૃત સમીક્ષા કરી હતી. કોરોનાની કોર કમિટીની બેઠક દરમિયાન મુખ્ય પ્રધાન રૂપાણીએ રાજ્યના પાંચ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર્સ અને અન્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરીને વર્તમાન આરોગ્ય સુવિધાઓ અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવાના આયોજન અંગે ચર્ચા કરી હતી.
ગુજરાતે સાવધાન અને સજાગ રહેવાનું છે : રૂપાણી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે આપણે સ્હેજ પણ નિશ્ચિંત રહેવાનું નથી. ગુજરાતે સાવધાન અને સજાગ રહેવાનું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા આવશ્યક એવા તમામ પગલાં લેવાના છે. નિયમોને અનુસરવાનું છે. દરેક વ્યક્તિએ સંયમ જાળવવાનો છે અને એ રીતે સ્વસ્થ રહેવાનું છે. જેથી આપણે ત્રીજી લહેરને ટાળી શકીએ. આમ છતાં રાજ્ય સરકાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.
કયાં શહેરો સાથે બેઠક યોજાઇ
કોર કમિટીની બેઠક દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરના મ્યુનિસિપલ કમિશનર્સ તથા એવા ઉચ્ચ અધિકારીઓ કે જેમણે કોરોનાના સંક્રમણની પહેલી અને બીજી લહેર દરમિયાન નોંધપાત્ર ફરજ બજાવી છે એવા અધિકારીઓ સાથે વિસ્તૃત વિચારવિમર્શ કરાયો હતો. મુખ્ય પ્રધાન રૂપાણીએ દરેક મહાનગરના મ્યુનિસિપલ કમિશનર્સ અને અધિકારીઓ સાથે સીધો સંવાદ કરીને કોરોનાના સંક્રમણના પહેલા અને બીજા તબક્કાના અનુભવો જાણીને ત્રીજા તબક્કા વિશેના તેમના અનુમાનો તથા આયોજનોની વિગતવાર માહિતી મેળવીને જરૂરી આદેશો આપ્યા હતા.
આ પણ વાંચો : ગાંધીનગરમાં ગેરકાયદેસર જમીન પચાવી પાડવાનું કામ કરતા પાંચ ભૂમાફિયા ઝડપાયા
ત્રીજી લહેર માટે આયોજન શરૂ
ગુજરાતે કોરોનાના ત્રીજી લહેરની સંભાવના સામે ઘણા સમય પહેલાંથી જરૂરી આયોજન અને વ્યવસ્થા શરૂ કરી છે. રૂપાણીએ આ અગાઉ ગુજરાતની કોરોના માટેની ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબો સાથે વિસ્તૃત બેઠક કરીને આ સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો. તાજેતરમાં જ ગુજરાતના બાળરોગ નિષ્ણાત તબીબો અને રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટર્સ સાથે પણ સંવાદ કરીને રાજ્ય સરકારની અને મેડિકલ ક્ષેત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી.