વર્તમાન સમયમાં નાના બાળકોથી લઇને મોટી ઉંમરના વ્યક્તિઓને ફાસ્ટ ફૂડ ખાવાનો ચસ્કો હોય છે. પરંતુ હવે કેન્દ્ર સરકારની ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવા નિયમ લાવવા જઇ રહ્યું છે. જેમાં, દેશ અને રાજ્યની તમામ શાળાની આસપાસના 50 મીટરની ત્રિજ્યામાં ફાસ્ટ ફૂડનું વેંચાણ ગુનો બનશે. એટલે કે, હવે શાળાની 50 મીટરની ત્રિજ્યામાં કોઇ પણ ફાસ્ટ ફૂડ વેંચી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, નિયમ લાગુ થયા બાદ શાળાની કેન્ટીનમાં પણ ફાસ્ટ ફૂડ રાખી શકાશે નહીં.
આ અંગે ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં ફાસ્ટ ફૂડ અંગે નિયમો જાહેર કરવામાં આવશે. જેમાં, શાળાની 50 મીટરની ત્રિજ્યામાં કોઇ પણ વ્યક્તિ ફાસ્ટ ફૂડનું વેંચાણ કરી શકશે નહીં.
હેલ્થ એન્ડ ઇન્ડિયા અંતર્ગત દેશના તમામ બાળકોને ફાસ્ટ ફૂડથી દૂર રાખી તેમનું સ્વાસ્થ્ય સારૂં રાખવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પણ આ નિયમો લાગુ કરવામાં આવશે. જેથી ગુજરાતની તમામ શાળાની 50 મીટરની ત્રિજ્યામાં કોઇ પણ ફાસ્ટફૂડની લારી અથવા તો દુકાન શરૂ કરવાની પરવાનગી પણ આપવામાં નહીં આવે. જંક ફૂડના કારણે બાળકોને નુકશાન થાય છે. જ્યારે હાલની પરિસ્થિતિમાં દેશમાં ડાયબિટીસનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ફાસ્ટ ફૂડમાં વધારે પડતું સુગર, સોલ્ટ અને ફેટ હોવાથી બાળકોને આ ખોરાકથી વિવિધ રોગ થાય તેવા તારણો બહાર આવ્યા છે. જેથી સ્વસ્થ ભારતના નિર્માણ માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 7 નવેમ્બરના રોજ સાઇટ પર ઓનલાઇન નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જાહેર જનતા, તમામ વિભાગ, ફૂડ વિભાગ અને અન્ય લોકો તથા શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના મંતવ્ય મંગાવવામાં આવી રહ્યાં છે. આમ, લોકોએ આપેલ સૂચનાને ધ્યાનમાં નિયમને મંજૂરી આપવામાં આવશે.