- બાળકીનો મૃતદેહ એક તળાવ પાસેનાં નાળા માંથી મળી આવ્યો
- બાળકીનું અપહરણ કરનાર વિજય ઠાકોર માનસીક રીતે બિમાર
- બાળકીનું કોઇ અજાણયા ઇસમે અપહરણ કર્યું હતું
ગાંધીનગર : 5 નવેમ્બરની મોડી રાત્રે એક શ્રમજીવી પરિવાર ખાત્રજ ખાતે પોતાના ઘરમાં સૂતો હતો ત્યારે વિજયસિંહ પોપટજી ઠાકોરે શ્રમજીવીનાં છાપરામાં આવી સુતેલી 3 વર્ષિય બાળકીને લઈને ફરાર થઇ ગયો હતો. થોડા સમય પછી બાળકીની માતા જાગીને પથારીમાં જોયું તો બાળકી નહોતી. જેથી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળકીની ભાળ ન મળતાં બાળકીના પિતાએ સાંતેજ પોલીસ મથકમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
અન્ય 5 વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર કર્યો હતો
આરોપી વિજય ઠાકોરે આ પહેલા પણ આ પ્રકારના ગુનાઓ આચરતો આવ્યો છે. સાંતેજ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર આ પહેલા પણ વિજય ઠાકોરે 4 નવેમ્બરનાં રોજ અન્ય એક 5 વર્ષની બાળકીને અપહરણ કરી બળાત્કાર કર્યો હતો. જો કે આ ઘટના પણ સાંતેજ વિસ્તારમાં જ બની હતી અને આરોપી પણ સાંતેજ વિસ્તારમાં જ રહે છે. જો કે, અન્ય બાળકીઓનું અપહરણ કરવાના અન્ય ગુનાઓમાં પણ તેનું નામ સંડોવાયેલું છે કે નહીં તે અંગે પણ LCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
બાળકીનો મૃતદેહ મળી આવ્યો
ગુન્હો નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતાં બાળકીનો મૃતદેહ અવાવરું જગ્યાએથી મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવી રહ્યું છે. જેથી FSL ની મદદ પણ આ લેવામાં આવી છે. હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. તેમજ બાળકીનાં માતા-પિતા મૂળ દાહોદનાં છે અને તેઓ ખાત્રજ વિસ્તારમાં મજૂરી કામ કરે છે. પોલીસની તપાસ દરમ્યાન એક મહત્વનો ખુલાસો થયો છે કે, બાળકીનું અપહરણ કરનાર વિજય ઠાકોર માનસીક રીતે બિમાર છે.
અપહરણ અને હત્યાનો ગુન્હો દાખલ કરાયો
સાંતેજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને અપહરણ કરીને લઇ ગયેલ બાળકીની શોધખોળ કરતાં ખાત્રજ પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી અપહરણ અને હત્યાની કલમ સાથેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ફરાર આરોપીની શોધખોળ કરતા તે પણ ઝડપાઇ ગયો છે.
આ પણ વાંચો : ગુજસીટોકના ગોળીબારમાં ઘાયલ પોલીસ કર્મચારીઓની રાજકોટ રેન્જ આઇજીએ મુલાકાત લીધી
આ પણ વાંચો : 24 કલાક પછી પણ ખાત્રજમાં 5 શ્રમિકોના મોતનું કારણ અકબંધ