- ગોવિંદ પરમારે કર્યા જાતિવાદી રાજકારણના આક્ષેપ
- ઉમરેઠથી છે ભાજપના ધારાસભ્ય
- આણંદના સાંસદ મિતેશ પટેલ સામે કર્યા આક્ષેપ
ગાંધીનગર: આણંદના ઉમરેઠથી ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારે સાંસદ મિતેશ પટેલ પર જાતિવાદી રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો છે. તેઓ આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવા કમલમ ખાતે પહોંચ્યા હતા, તેમજ મુખ્યપ્રધાને તેમને ઘટતું કરવા આશ્વાસન આપ્યું છે તેવું તેમણે મીડિયામાં જણાવ્યું હતું.
સાંસદ મિતેશ પટેલ પાટીદાર મતબેંકને વધુ મહત્વ આપતા હોવાનો આરોપ
ધારાસભ્ય ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે, અમૂલ ડેરીની ચૂંટણીમાં તેમના વિસ્તારમાં ક્ષત્રિય મતબેંક વધુ હોવા છતાં સાંસદ મિતેશ પટેલે પાટીદાર મતબેંકને વધુ મહત્વ આપ્યું હતું. સંગઠનની મિટિંગમાં પણ તેમને બોલાવ્યા ન હતા. આમ, એક રીતે તેમણે ગોવિંદ પરમારના વિરોધમાં પ્રચાર કર્યો હતો.
મુખ્યપ્રધાને ઘટતું કરવાની આપી ખાતરી
આ વાતથી નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારે પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી. આ ઘટનાને સંદર્ભે સોમવારે તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા અને પોતાની વાતની રજૂઆત કરી હતી. તેમણે પણ આ અંગે ઘટતું કરવાની ખાતરી આપી હતી.
જો કે, બાદમાં ગોવિંદ પરમારે પોતાના રાજીનામાની વાતને નકારી કાઢી હતી અને તેઓ પાર્ટી સાથે જ છે તેમ જણાવ્યું હતું, તેમની નારાજગી ફક્ત સાંસદ સામે છે તેવો તેમણે પોતાના નામ સાથે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો.