ગાંધીનગર: જન્માષ્ટમીનો તહેવારને હવે ગણતરીના દિવસો જ રહ્યાં છે, ત્યારે રાજ્યના ગરીબ પરિવારો જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઊજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના ગરીબ પરિવારોને જન્માષ્ટમી પહેલા એક લીટર કપાસિયા તેલના પાઉચનું મફતમાં વિતરણ કરવામાં આવશે.
રાજ્યમાં NFSA હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે અગાઉથી કપાસિયા તેલના પાઉન્ચ આપવામાં આવે છે. જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો શ્રાવણ માસના તહેવારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મફત તેલનો પુરવઠો અગાઉથી જ કરી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આવા ગરીબ પરિવારોને કાર્ડદીઠ એક લીટર કપાસિયા તેલના પાઉચ આપશે.
અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે 36 લાખ જેટલા પાંચની ખરીદી પણ પૂર્ણ કરીને તમામ જથ્થો અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉનમાં પહોંચાડવામાં આવ્યો છે. જ્યારે મફતમાં આપવાનું તેલ વિતરણ આજથી શરૂ કરવામાં આવશે. જ્યારે જન્માષ્ટમીના તહેવાર પહેલાં જ આ વિતરણ પૂર્ણ કરી દેવાની સૂચના પણ સસ્તા અનાજની દુકાનદારોને આપવામાં આવી છે. આમ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગણતરીના દિવસોમાં જ રાજ્યના 36 લાખ ગરીબ પરિવારોને એક લીટર કપાસિયા તેલના પાઉચ આપવામાં આવશે.